જામનગર તાલુકાના આમરા ગામના પાટીયા નજીકથી પસાર થતા સ્વીફટ કારને આંતરીને સીક્કા પોલીસે તલાસી લેતા તેમાંથી 60 બોટલ દારૂ મળી આવતા એક શખ્સની ધરપકડ કરી કુલ રૂા.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગર શહેરના કાલાવડના નાકા પુલ પાસેથી પસાર થતા શખ્સને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે બીયરના ત્રણ ટીન સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના આમરા ગામના પાટીયા પાસેથી પસાર થતી જીજે-37-એમ-3623 નંબરની સ્વીફટ કારને સીક્કા પોલીસે આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.30 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની 60 બોટલ મળી આવતા પોલીસે બીપીન ઉર્ફે લાકડી કારા મુછડિયા નામના શખ્સની ધરપકડ કરી હતી. બીપીન પાસેથી પોલીસે રૂા.5.30 લાખનો દારૂ અને કાર કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો યાદવનગરમાં રહેતાં મયુર ઉર્ફે મયલો ભાટીયા નામના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના કાલાવડ નાકા પુલ પાસેથી પસાર થતા ઈરફાન હુશેન શેખ નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.300 ની કિંમતના બીયરના ત્રણ ટીન મળી આવતા ધરપકડ કરી હતી.