રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં ખૂબ જ હરણફાળ ગતિથી કોરોનાના કેસ અને મૃત્યુઆંક વધતા જોવા મળી રહ્યાં છે. આ સાથે બીજી લહેરમાં સંક્રમણ વધતા રેમડેસિવિર ઇન્જેક્શનની પણ માગ ખૂબ જ વધી છે. જેની પાછળનું મુખ્ય કારણ વાયરસએ બદલાવેલા પોતાના સ્ટ્રેન તબીબો માની રહ્યાં છે. હાલ ચાલી રહેલી કોરોનાની બીજી લહેરમાં 30 વર્ષથી 50-55 વર્ષ સુધીના લોકો સંક્રમિત થવાનું પ્રમાણ વધુ સામે આવી રહ્યું છે. જેથી રેમડેસિવિર ઇન્જેક્શનની માગ વધી છે અને અછત સર્જાય છે. કોરોનાની ચેઇન તોડવા માટે હાલ ફરી 21 દિવસનું લોકડાઉન કરવાની જરૂર છે. આ અંગે IMAએ સરકારને પણ રજુઆત કરી છે.
રાજકોટ IMAના પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ જણાવ્યું હતું કે, હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જેમાં યુવાનો એટલે કે 30 વર્ષથી લઇ 50-55 વર્ષીય સુધી લોકો સંક્રમિત થઇ રહ્યાં છે, અન્ય ઇન્જેક્શનની સરખામણી રેમડેસિવિર સસ્તા અને સારવારમાં અસરકારક છે તેથી તેનો ઉપયોગ વધ્યો છે. આ સાથે ઇન્જેક્શનની કાળા બજારી અને અછતને ધ્યાનમાં રાખી દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલને જ પડતર ભાવથી ઇન્જેક્શન આપવા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આમ છતાં ક્યાંક દર્દીઓ અને તબીબો પરેશાન થતા હોવાનું જણાવ્યું હતું.
બીજી લહેર દરમિયાન કોરોના સંક્રમણની સાથે સાથે મૃત્યુઆંક વધ્યો છે. જેમાં દર્દીને લંગ્સમાં વધુ પડતી તકલીફ થવાથી નુકસાન થાય છે અને ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવાથી શ્વાસ ચડવાથી દર્દી મૃત્યુ પામતા હોવાનું સામે આવે છે. જેમાં પણ 30 થી 50-55 વર્ષીય દર્દીનો વધુ સમાવેશ થાય છે. જેની સારવાર માટે ઓક્સિજન ન મળતું હોય અથવા વેન્ટિલેટરની જરૂરિયાત સર્જાય તો તોસીલીજુમેદ નામનું ઇન્જેક્શન આપવામાં આવતું હોવાનું IMAના પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ જણાવ્યું હતું. જોકે આ ઇન્જેક્શન કિંમતમાં ખૂબ જ મોંઘુ હોવાથી ખૂબ જ ગંભીર સ્થિતિ પર દર્દી પહોંચે બાદમાં જ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
હાલ રાજકોટની સિવિલ, પ્રાઇવેટ હોસ્પિટલ તેમજ કોવિડ કેર સેન્ટરો પર કોઇ જગ્યાએ બેડની વ્યવસ્થા ન હોવાથી તંત્ર અને આરોગ્ય વિભાગ ચિંતામાં મૂકાયું છે. સમયાંતરે તંત્ર દ્વારા તબીબો સાથે બેઠક પણ કરવામાં આવતી હોય છે. રાજકોટ IMAના પૂર્વ પ્રમુખ ડો.અતુલ પંડ્યાએ જણાવ્યું હતું કે, હાલ રાજકોટની સ્થિતિ ખૂબ જ ભયાનક છે. ચાઇનાના વુહાન જેવી સ્થિતિ સર્જાય તો નવાઇ નહીં માટે હાલની પરિસ્થિતિ જોતા કોરોના ચેઇન તોડવી પ્રથમ આવશ્યકતા છે અને એ માટે લોકડાઉન એ જ વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. ફરી 21 દિવસના લોકડાઉનની માગ IMA દ્વારા સરકારમાં કરવામાં આવી છે જે અંગે ગુરુવારના રોજ મિટિંગ મળ્યા બાદ નિર્ણય લેવામાં આવી શકે છે.