ભાણવડ તાલુકાના સેવક દેવળિયા ગામે એક શખ્સ મેડિકલ અંગેની જરૂરી ડિગ્રી ન હોવા છતાં પણ લોકોની સારવાર કરી રહ્યો હોવાનું પોલીસને ધ્યાને આવતા આ અંગે સ્થાનિક પોલીસે દરોડો પાડી એક સંધી મુસ્લિમ યુવાનને વિવિધ મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ ભાણવડના શિવનગર સોસાયટી વિસ્તારમાં રહેતા સાદાબ સલીમભાઈ લાખા નાંના 43 વર્ષના સંધિ મુસ્લિમ યુવાનને ત્યાં સ્થાનિક પોલીસે ચેકિંગ કરી, આ શખ્સ પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલની તબીબી સારવાર અંગેની માન્ય ડીગ્રી ન હોવા છતાં પણ અહીં સારવાર કરાવવા આવતા દર્દીઓની અનધિકૃત રીતે સારવાર કરવામાં આવતી હોવાનું પોલીસ તંત્રના ધ્યાને આવ્યું હતું.
આ કાર્યવાહી દરમિયાન ઉપરોક્ત શખ્સ દ્વારા રાખવામાં આવેલા દવાઓ, ઇન્જેક્શન, બાટલા, સિરીંજ વિગેરેનો મુદ્દામાલ પણ પોલીસને સાંપડ્યો હતો. આથી પોલીસે રૂપિયા 14,094નો મુદ્દામાલ કબજે લઈ, ઉપરોક્ત શખ્સ સામે ગુજરાત મેડીકલ પ્રેક્ટિસ એક્ટ 1963 ની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.