ખંભાળિયા-દ્વારકા માર્ગ પર હોળીને અનુલક્ષીને ફૂલડોલમાં ભાગ લેવા પધારતાં પદયાત્રીઓને નડતરરૂપ વાહનો તથા મોટા અવાજે ડીજે વગાડી ઘોંઘાટ કરતાં ડીજેને પોલીસે કબ્જે લઇ ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત્ કરાવી હતી.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયા – દ્વારકા માર્ગ પર હોળી – ધુળેટી પર્વને અનુલક્ષીને દ્વારકા તરફ જતા હજારો પદયાત્રીઓ સાથે વિશાળ ડી.જે. સહિતના વાહનો પણ પસાર થાય છે. આવા વાહનો પદયાત્રીઓને વિવિધ રૂપે પરેશાન કરતા હોય, આ અંગે ખંભાળિયા પોલીસે કાર્યવાહી કરી, વિવિધ પ્રકારના 14 વાહનો ડીટેઈન કર્યા હતા.
ખંભાળિયા પોલીસની આ કાર્યવાહીમાં અહીંના પી.આઈ. એન.એચ. જોશીને મળેલી ફરિયાદોને અનુલક્ષીને દ્વારકા માર્ગ પર છોટા હાથી, ટેમ્પો, બોલેરો, આઈસર વિગેરે જેવા વાહનોમાં તીવ્ર અવાજ સાથેના ડી.જે. સહિતના વાહન નીકળતા હોય, આવા વાહનોને કારણે ટ્રાફિક નિયમનનો ભંગ તથા પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઈ, આવા વાહન ચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પોલીસે પ્રથમ વખત આ પ્રકારના 14 વાહન ડીટેઈન કરી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.


