જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એફઆરસી એ મંજૂર કરેલ ફી કરતાં વધુ ફી ન ઉઘરાવા શાળાઓને આદેશ આપતો પરિપત્ર જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે જ એનએસયુઆઇ તેમજ યુવક કોંગ્રેસ દ્વારા આ અંગે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ, વાલીઓ અને એનએસયુઆઇના કાર્યકરોના આવેદન પત્ર મુજબ કેટલીક શાળાઓ એફઆરસીએ મંજૂર કરેલ ફી કરતાં વધુ ફી ઉઘરાવતી હોવાની રજુઆતોને ધ્યાને લઇ ફી વધારા માટે એફઆરસીનું દરખાસ્ત કરી હોય અને દરખાસ્ત મંજૂર થઇ હોય તો જ મંજૂર થયેલ ફી ઉઘરાવી શકાશે. એફઆરસી તરફથી મંજૂરી મળી જશે તેની અપેક્ષાએ વધુ ફી ન ઉઘરાવવા તેમજ હાલના સંજોગોમાં માત્ર સત્ર ફી જ લેવાની રહેશે અન્ય કોઇ વધારાની ફી ઉઘરાવવાની રહેશે નહીં. જો કોઇ શાળા મંજૂર કરેલ ફી કરતાં વધુ ફી ઉઘરાવશે તો શાળા સામે નિયમોનુસારની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે.