દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખાતે હાલારના સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે સરકારી વિનિયન કોલેજ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ભારત સરકારની એ.ડી.આઈ.પી. યોજના હેઠળ આ તાલુકાના જરૂરીયાતમંદ દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના કુલ 912 જરૂરીયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને રૂપિયા 94.85 લાખના વિવિધ સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવનાર છે.આ અંતર્ગત કલ્યાણપુર તાલુકાના 236 જરૂરીયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને બેટરી સંચાલિત ટ્રાયસિકલ, વ્હીલચેર, બ્રેલકિટ, સ્માર્ટ મોબાઈલ ફોન અને શ્રવણયંત્ર, વોકર સ્ટિક જેવા વિવિધ જરૂરીયાત મુજબના 269 સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિવ્યાંગોને એમ ન લાગે કે તેઓને અન્યથી ઓછો લાભ મળે છે અને તમામ દિવ્યાંગોને સાધન સહાય મળી રહે તે માટે કાર્યશીલ છે. દિવ્યાંગો સક્ષમ અને આત્મનિર્ભર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિવ્યાંગ શબ્દ આપ્યો છે તેમ પણ જણાવ્યું હતું.
વધુમાં તેમણે દિવ્યાંગોમાં દિવ્યતાના દર્શન થાય છે. દિવ્યાંગો માટે કાર્ય કરીએ અને તેમને મદદરૂપ બનીએ તો સંતોષની લાગણી અનુભવાય છે તેમ જણાવી દિવ્યાંગોના જીવનમાં સંઘર્ષ ઓછો થાય અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારના દિવ્યાંગોમાં પણ સાધનોનું વિતરણ સારી રીતે થાય તથા દરેક દિવ્યાંગોને સાધન સહાય મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદે સરકારી વિનિયન કોલેજમાં ઈંગ્લિશ લેન્ગ્વેજ લેબનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.આ પ્રસંગે જગાભાઈ ચાવડાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.કે. મોરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પરબતભાઈ વરૂ, કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ નગાભાઈ ગાધેર, ઉપપ્રમુખ વેલજીભાઈ ચોપડા, જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, રાવલ નગરપાલિકા ચીફ ઓફીસર, તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બેલા, સરકારી આર્ટસ કોલેજના આચાર્ય વારોતરીયા, અગ્રણી રણમલભાઈ માડમ, પ્રતાપભાઈ પીંડારીયા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ સાથે સબંધિત વિભાગના અધિકારીઓ – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.