સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ઘણી બધી રાજકીય નવાજૂની થતી હોય છે, જો કે એક જાહેર ક્ષેત્રની કંપની અને રાજ્ય ચૂંટણી પંચ વચ્ચે વિવાદ થાય અને તે કોઈ હાઇકોર્ટના દરવાજા સુધી પહોંચી જાય તેવી ઘટનાઓ જવલ્લે જ બનતી હોય છે. ત્યારે આજે ગુજરાત એક એવી જ ઘટનાનું સાક્ષી બન્યું હતું. ભારતીય જીવન વીમા નિગમ અને ગુજરાતના રાજ્ય ચૂંટણી પંચ વચ્ચે ચૂંટણી કામગીરીને લઈને વિવાદ થયો હતો, આ મામલે એલઆઇસીએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખટખટાવતા હાઈકોર્ટે આ મામલે રાજ્યના ચૂંટણી પંચને નોટિસ ઇસ્યુ કરી હતી.
મહત્વનું છે કે આગામી થોડા દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેના માટે ચૂંટણી કામગીરી માટે રાજ્ય ચૂંટણી પંચે એલઆઈસીના સ્ટાફને ચૂંટણીમાં કામગીરી આપવાનો નિર્ણય કર્યો હતો, જેને લઈને એલઆઇસી દ્વારા હાઇકોર્ટમાં આ પ્રકારની દલીલ સાથે અરજી કરવામાં આવી હતી કે, રાજ્ય ચૂંટણી પંચને જાહેર ક્ષેત્રના કેન્દ્રીય સાહસના કર્મીઓને ચૂંટણી કામગીરીમાં રોકવાની સત્તા નથી અને માટે તે અમારા કર્મીઓને આ ચૂંટણીમાં કામગીરી કરવાનો હુકમ નથી આપી શકતું.
આ મુદ્દે નિકાલ માટે હાઇકોર્ટને અરજી કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે હાલ પૂરતી આ અરજીને ગ્રાહ્ય રાખીને આ મુદ્દે રાજ્ય ચૂંટણી પંચને તેનો જવાબ આપવા માટે નોટિસ ફટકારી છે, વધુ માહિતી પ્રમાણે 18 ફેબ્રુઆરીના રોજ આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.