Friday, November 22, 2024
Homeરાજ્યગુજરાતઅમિત શાહના વિશ્વાસુને અમદાવાદના મેયર બનાવવા સોગઠી ખેલાઇ હોવાની ચર્ચા

અમિત શાહના વિશ્વાસુને અમદાવાદના મેયર બનાવવા સોગઠી ખેલાઇ હોવાની ચર્ચા

- Advertisement -

ભાજપના ચાણક્ય અને કેન્દ્રીય ગૃહ મંત્રીની કોર ટીમમાં વર્ષોથી કામ કરી રહેલા હિતેશ બારોટને એકાએક સક્રિય રાજકારણમાં સામેલ કરી અમદાવાદ મહાનગરપાલિકાની ટિકિટ ફાળવવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે. પરંતુ ભાજપના ગણિત પ્રમાણે AMCમાં નવા મેયરપદ પુરુષ અનામત હોવાથી હિતેશ બારોટને મેયર પદનો તાજ પહેરાવવા જ ચૂંટણી જંગમાં ઉતાર્યા હોવાનું જાણવા મળ્યું છે. હિતેશ બારોટ હાલ ADC(અહેમદાબાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક) અને GSC(ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક)ના ડિરેક્ટર છે.

- Advertisement -

અમિત શાહના નજીકના સાથી અને ભાજપ પક્ષમાં વર્ષોથી કાર્યકર તરીકે પડદા પાછળ રહીને કામ કરતા હિતેશ બારોટને થલતેજમાંથી ટિકિટ આપવામાં આવી છે. અમદાવાદમાં ભાજપને આગળ વધારવામાં કામ કરનારા હિતેશ બારોટ જેવા સિનિયરને અચાનક જ થલતેજ વોર્ડમાંથી મહાનગર પાલિકાની ટિકિટ આપવામાં આવતા કાર્યકરો અને સ્થાનિક આગેવાનો આશ્ચર્યમાં મુકાયા હતા, કેમ કે હિતેશ બારોટ વર્ષોથી સહકારી બેંકો અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેવી સંસ્થાઓમાં સક્રિય હતા. પરંતુ એક્ટિવ પોલિટિક્સમાં એન્ટ્રી થતા જ મેયરપદ માટે તેમના નામની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

બે વર્ષ પહેલા અમિત શાહના જન્મ દિવસ નિમિત્તે હિતેશ બારોટે ફેસબુક પર એક પોસ્ટ મુકતા વિવાદ થયો હતો. આ પોસ્ટમાં અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતાં પણ ઉચ્ચ સ્થાન આપીને તેમને કૃષ્ણ ભગવાન બનાવી દીધા હતા, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્જુન બનાવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular