ઉમિયા માતાજી મંદિર, સીદસર ખાતે યોજાયેલ “બિલ્વપત્ર” ત્રિદિવસીય મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ પાટીદાર સમાજના સભ્યોને સંબોધતા મુખ્યમંત્રીએ ઉમિયા ધામની સમગ્ર કાર્ય પ્રણાલિની સરાહના કરી હતી અને કહ્યું હતું કે સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત ઉમિયાધામ સંસ્થા અભિનંદનને પાત્ર છે. ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન આરંભાયેલા અને વર્ષભર ચાલુ રહેનારા સંસ્થાના સામાજિક વિકાસના કાર્યો ખૂબ સફળ થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણ થકી ૠ-20 સમિટ નું સફળ આયોજન કરીને સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો પરિચય કરાવ્યો છે ત્યારે વડાપ્રધાનના “એક દિવસ, એક કલાક શ્રમદાન”ના સંકલ્પને ચરિતાર્થ કરવા દેશના તમામ નાગરિકોએ કટિબદ્ધ થવું જોઈએ. અને રાષ્ટ્રપિતાના “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ના મંત્રને ચરિતાર્થ કરવો જોઈએ.
માં ઉમિયાના પ્રાગટ્યના 125 વર્ષ નિમિત્તે વર્ષભર યોજાનારા 125 આરોગ્ય કેમ્પ, 125 બ્લડ ડોનેશન કેમ્પ, 125 પ્રાકૃતિક કૃષિ પરિસંવાદો, 125 નારી શક્તિના કાર્યક્રમો, 125 વૃક્ષારોપણના કાર્યક્રમો પાટીદાર સમાજની આગવી ઓળખ બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ આ તકે વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધા-સેવા-સમર્પણને વરેલા પાટીદાર સમાજના નારી શક્તિને પ્રોત્સાહિત કાર્ય કરતા કાર્યક્રમો સરાહનીય છે, તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
ઉમિયાધામ સંસ્થાના વિકાસ માટે રાજ્ય સરકારની શક્ય તમામ મદદની ખાતરી ઉચ્ચારતા મુખ્યમંત્રીએ માં ઉમિયાના સવાસો કાર રેલી અને સામાજિક સંમેલનમાં સહભાગી થવાની તક આપવા બદલ આયોજકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી અને તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલા નારી શક્તિ વંદન અધિનિયમ સમગ્ર સમાજમાં મહિલાઓની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો લાવવામાં સીમાચિન્હ રૂપ સાબિત થશે, તેવો વિશ્વાસ રજૂ કર્યો હતો.
સમારોહમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ બિલ્વપત્ર સમારોહમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સમાજના લોકોને સમાજિક જીવન જીવવા અને બદલાતા જતા યુગની સાથે દરેક સમાજને પોતાની પરંપરાઓ જાળવી રાખી આધુનિક યુગના રીત રિવાજો અપનાવી એકતા જાળવી રાખવાનો સામાજિક સંદેશો આપ્યો હતો. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ સ્ત્રીઓને સમાજમાં પોતાનું યોગદાન આપવા અને દીકરીઓને અભ્યાસ કરવા અંગે પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો. મોટા પ્રમાણમાં ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થયા છે, તે બદલ કેન્દ્રીય મંત્રીએ ગુજરાત સરકાર તેમજ ખેડૂતોની પ્રશંસા કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રયાસોથી આ અભિગમ ન માત્ર ગુજરાતના, પરંતુ દેશભરના ખેડૂતો અપનાવી રહ્યા છે. અને વિશ્વભરમાં ઓર્ગેનિક પ્રોડક્ટ્સની માંગ વધી છે. ખેડૂતો ખેતીમાં ક્રાંતિ સર્જી શકે તે માટે ભારત સરકારે નેનો યુરિયા ટેકનોલોજી વિકસાવી છે. જે માત્ર ગુજરાતમાં જ છે. તે બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને તેઓએ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનુ શાલ અને સ્મૃતિચિહ્ન એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના ટ્રસ્ટી જગદીશભાઈ કોટડીયાએ સ્વાગત પ્રવચન કર્યા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. અગ્રણી જેરામભાઈ વાસજાળીયા, જે. કે. પટેલ, મૌલેશ ઉકાણી, ચીમનભાઈ સાપરિયા વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. ઉમિયાધામ સંસ્થાને રૂ. 5.51 કરોડનું દાન કરનાર દાતા જીવણભાઈ ગોવાણીનું મુખ્યમંત્રીએ વિશેષ બહુમાન કર્યું હતું
આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનસમુદાયે છૂટાછેડા તથા અન્ન-જળનો બગાડ અટકાવવા, વ્યસન તથા સામાજિક બદિઓનો ત્યાગ કરવા તથા પ્રાકૃતિક કૃષિ અપનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ખેસ પહેરાવી દાતાઓનુ બહુમાન કર્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર બી.એ. શાહ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ધારાસભ્યો સર્વ સંજયભાઈ કોરડીયા, પ્રકાશભાઈ વરમોરા, અરવિંદભાઈ લાડાણી, કાંતિભાઈ અમૃતિયા, દાતાઓ, ટ્રસ્ટીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.