વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી કે ડિજિટલ ટ્રાન્ઝેકશન ટૂંક સમયમાં રોકડ કરતા વધી જશે કારણકે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) ઝડપથી દેશમાં સૌથી વધુ પસંદગીપાત્ર પેમેન્ટ વ્યવસ્થા બની રહી છે. મોદીએ યુપીઆઇ અને સિંગાપોરના પે નાઉની વચ્ચે ક્રોસ બોર્ડર કનેક્ટિવિટીના લોન્ચ પછી જણાવ્યું હતું કે 2022માં ભારતમાં યુપીઆઇ દ્વારા 74 અબજ વ્યવહારો થયા હતાં જેનું કુલ મૂલ્ય 126 લાખ કરોડ રૂપિયા એટલે કે 2 લાખ કરોડ સિંગાપોર ડોલર હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અનેક નિષ્ણાતોના મતે ટૂંક સમયમાં ભારતમાં ડિજિટલ વ્યવહારોનું પ્રમાણ રોકડ વ્યવહારોથી વધી જશે. યુપીએ દ્વારા વધી રહેલા વ્યવહારોનું પ્રમાણ દર્શાવે છે કે આ પેમેન્ટ સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડાપ્રધાન લી સિયન લૂંગની સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યુપીઆઇ અને સિંગાપુરના પેનાઉની વચ્ચે ક્રોસ બોર્ડર કનેક્ટિવિટીના સાક્ષી બન્યા છે. યુપીઆઇ-પેનાઉ લિંકેજથી પ્રથમ ટ્રાન્ઝેકશન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસ અને મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરના મેનેજિંગ ડાયરેક્ટર રવિ મેનન દ્વારા કરવામાં આવ્યું હતું.
મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ભારત-સિંગાપોરની મિત્રતા માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે. સિંગાપોરના વડાપ્રધાન લીએ જણાવ્યું હતું કે પેનાઉ અને યુપીઆઇ વચ્ચે લિંકેજનો પ્રથમ વિચાર 2018માં આવ્યો હતો જ્યારે વડાપ્રધાન મોદી સિંગાપોરના પ્રવાસે આવ્યા હતાં. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત અને સિંગાપોરની વચ્ચે ક્રોસ બોર્ડર ફિનટેક કનેક્ટિવિટીની આજે થયેલી શરૂઆતથી એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. આજ પછી સિંગાપોર અને ભારત વચ્ચેના લોકો પોતાના મોબાઇલ ફોનથી એવી જ રીતે લેવડદેવડ કરી શકશે જેવી રીતે તેઓ પોત-પોતાના દેશોમાં કરે છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે આ સુવિધાનો સૌથી વધુ લાભ પ્રવાસી ભારતીયો, વિદ્યાર્થીઓ અને પ્રોફશનલ્સ અને તેમના પરિવારોને થશે. આ સુવિધાને પગલે સિંગાપોરમાં કામ કરતા ભારતીય લોકો સરળતાથી પોતાના ઘર અને પરિવારના લોકો માટે નાણા મોકલી શકશે. આજ રીતે ત્યાં ભણતા વિદ્યાર્થીઓને પણ ઘરેથી નાણા મંગાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. યુપીઆઇ સિંગાપોર ઉપરાંત અન્ય દેશોમાં પણ ઉપલબેધ છે. ભારતના નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના આંતરરાષ્ટ્રીય એકમ એનપીસીઆઇ ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ (એનઆઇપીએલ)એ આ માટે ભૂતાનની રોયલ મોનિટરી ઓથોરિટી સાથે એક ભાગીદારી કરી છે. ભારત બહાર યુપીઆઇ પેમેન્ટ સર્વિસ સ્વીકારનાર પ્રથમ દેશ નેપાળ રહ્યો છે.