ગુજરાત વિધાનસભામાં પણ કોંગ્રેસ માટે લોકસભા જેવી સ્થિતિનું નિર્માણ પામ્યું છેે. વિધાનસભામાં કોંગ્રેસને સતાવાર વિપક્ષનો દરજજો મેળવવાના ફાંફા પડયા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ સતાવાર વિપક્ષ તરીકે બેસી શકશે નહીં. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે એટલી હદે સ્થિતિ ખરાબ કરી નાખી છે કે બેમાંથી એક પણ પક્ષ વિધાનસભા ગૃહની અંદર વિપક્ષ તરીકે બેસવાને પણ લાયક રહ્યા નથી. વિધાનસભા ગૃહમાં વિપક્ષ તરીકે બેસવા માટે 19 બેઠકની જરૂર રહે છે પરંતુ અત્યારે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પાસે આટલી બેઠક પણ ન હોવાથી પહેલીવાર વિધાનસભામાં વિપક્ષ જોવા જ ન મળે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
ગુજરાત વિધાનસભાના તમામ 182 બેઠકના પરિણામ જાહેર થઇ ગયા છે. જેમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો પ્રાપ્ત થઇ છે. તો આમ આદમી પાર્ટીના પાંચ અને અપક્ષોને ચાર બેઠકો મળી છે. વિપક્ષના દરજજા જરૂરી 19 બેઠકથી કોંગ્રેસને બેઠકનો છેટું રહી જવા પામ્યું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને ગુજરાત વિધાનસભામાં વિપક્ષનો દરજજો પ્રાપ્ત થશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ર્ન છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો માત્ર ધારાસભ્યો તરીકે હાજર રહી શકે પરંતુ વિપક્ષ તરીકે કોઇ નહીં હોય તે સ્પષ્ટ જણાઇ રહયું છે.