ગત તા.12/10/2018 ના રોજ આ કેસના ફરિયાદી બાબુભાઈ માવજીભાઇ જોડિયા રોડ પર આવેલ પાનની દુકાન પાસે બેઠા હતાં ત્યારે આ કામના આરોપી જગદીશભારથી બચુભારથી ત્યાં આવેલા અને ફરિયાદીને કહેલ કે પોતે ભુવા છે તથા તાંત્રિક વિધિનું કામ કરે છે. અને પોતાથી બધાય કામ થઈ જાય છે તેથી ફરિયાદીએ કહેલ કે પોતે તાંત્રિકની વાતોમાં માનતા નથી અને આરોપી ખોટી વાતો જણાવે છે આમ કહેતા આરોપી જગદીશભારથી એકદમ ઉશ્કેરાઇ જઈ ફરિયાદીને ગાળો દઈ, જાતિ પ્રત્યે અપમાનિત કરી પોતાના મોટરસાઈકલમાં રાખેલ લોખંડનો પાઈપ કાઢી ફરિયાદીને માથામાં મારતા તેઓને ગંભીર ઈજા થઈ હતી. અને તાત્કાલિક સારવાર માટે ધ્રોલ સરકારી દવાખાને લઇ જવાયા હતાં. બનાવ સ્થળે માણસો ભેગા થઈ જતાં આરોપી ત્યાંથી ભાગી ગયા હતાં. આ બનાવ અન્વયે ફરિયાદી બાબુભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં જામનગરની સ્પેશિયલ અદાલતમાં ચાલતા સરકાર તરફે એડી. પબ્લી. પ્રો.સી. ધર્મેનદ્ર એ. જીવરાજાનીની દલીલો માન્ય રાખી સ્પેશિયલ જજ એ.એસ. વ્યાસ એ ચૂકાદો આપી ઠરાવેલ કે સુ.કો.ના જણાવ્યા મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો વારંવાર સામાન્ય કારણોસર હિંસા અને અપમાનનો ભોગ બનતા હોય છે ત્યારે આ હકીકતનું પૂનરાવર્તન ન થાય તે જોવાની કાયદાના ઘડવૈયાની જવાબદારી છે. વિગેરે હકીકત ઠરાવીને આરોપી જગદીશભારથી બચુભારથી ભારતીય દંડ સહિતના ક.324 અન્વયે છ માસની સાદી કેદની સજા અને રૂા.1000 દંડ અને દંડ ન ભરે તો વધુ સાત દિવસની સાદી કેદની સજા તથા એટ્રો. એકટની ક.3 (2) (5-એ) અન્વયે છ માસની સાદી કેદની સજા અને રૂા.1000 દંડ અને દંડ ન ભરે તો વધુ સાત દિવસની સાદી કેદની સજા તથા જી. પી.એકટ ક.135(1) અન્વયે ચાર માસની સાદી કેદની સજા અને રૂા.100 દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ દિવસની સાદી કેદની સજા ફરમાવતો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે એડી. પબ્લી. પ્રોસી. ધર્મેન્દ્ર એ. જીવરાજાની તથા મુળ ફરિયાદી તરફે વકીલ કિરણભાઈ બગડા રોકાયેલા હતાં.