જામનગર નજીક લાખાબાવળ પાસે આવેલ અક્ષરપ્રિત કોલેજમાં સામુહિક ગેરરીતિની ઘટના સામે આવ્યા બાદ કોલેજના પરિક્ષા કેન્દ્ર રદ્ કરવામાં આવ્યું છે. ત્યારે એનએસયુઆઇ દ્વારા આ ઘટનામાં સંડોવાયેલા તમામ સામે કડક પગલાં લેવાની માગણી કરી છે. તેમજ અહીં એક સ્કૂલ અને ચાર પ્રકારની કોલેજો ચાલુ હોય તે અંગે પણ પગલાં લેવા માગણી કરી છે.
એનએસયુઆઇ જામનગર શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, ગુજરાત મહામંત્રી મહિપાલસિંહ જાડેજા તથા યુવક કોંગ્રેસ ગુજરાત મંત્રી શક્તિસિંહ જેઠવા દ્વારા એનએસયુઆઇના કાર્યકરો સાથે અક્ષરપ્રિત ફાર્મસી કોલેજમાં સામે આવેલ માસકોપી કેસના વિરોધમાં કોલેજની સામે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. એનએસયુઆઇ દ્વારા જણાવાયું છે કે, લાખાબાવળ ખાતે આવેલ અક્ષરપ્રિત કોલેજમાં ફાર્મસીની પરીક્ષામાં માસકોપી કેસની ઘટના સામે આવી છે. આ સંસ્થામાં એસકેઇએફટી શાળા છે. અક્ષરપ્રિત ફાર્મસી કોલેજ, દયામન નર્સિંગ અને ફિઝિયોથેરાપી કોલેજ, મિનાક્ષીબેન દવે બીએડ કોલેજ, પરમ ઇન્સ્ટીટયૂટ એમબીએ કોલેજ જેવા જુદા જુદા નામ હેઠળ એક જ જગ્યા પર જુદી જુદી સંસ્થા ચલાવવામાં આવી રહી છે. તે પણ એક તપાસનો વિષય છે. ત્યારે આ અંગે શા માટે પગલાં લેવાતા નથી? તેમ પણ એનએસયુઆઇ દ્વારા પ્રશ્ર્ન ઉઠાવ્યો છે.