ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય છોટુ વસાવાએ વધી રહેલી મોંઘવારીના પરિણામે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. અને જણાવ્યું છે કે જે રીતે કોરોનાની વેક્સિન આવી તેમ મોંઘવારીની વેક્સિન પણ લાવો. તો બીજી તરફ સરકાર કહી રહી છે કે સપ્ટેમ્બર મહિનામાં ખાવાપીવાની ચીજવસ્તુઓઓ સસ્તી થઇ છે.
ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય છોટુ વસાવાએ વધી રહેલી મોંઘવારીના પરિણામે મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે મોંઘવારીના ડામથી દાઝેલા લોકોને રાહત આપો. અને સરકારે પ્રજા માટે રાહતલક્ષી યોજના જાહેર કરવી જોઈએ. છોટુ વસાવાએ પત્રમાં લખ્યું છે કે છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારીના પરિણામે કોવેક્સીન અને કોવીશીલ્ડ વેક્સિન વિકસાવી હતી. ગુજરાત સરકાર અને રાજ્યના આરોગ્યતંત્રએ ભેગા મળીને રાજ્યના લોકોને બચાવવા માટે કોરોનાની રસીની જેમ મોંઘવારીની વેક્સિન પણ તાત્કાલિક અસરથી વિકસાવી જોઈએ. કોરોનાથી બચવા માટે વેક્સીનેશનનું કામ ચાલી રહ્યું છે અને લોકોને મોતના મુખમાંથી બચાવી લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સરકાર ઈચ્છે તો ગમે તેવી પરિસ્થતિ અને સમસ્યાઓનું કાયમી ધોરણે નિરાકરણ લાવી શકે છે.
માટે સરકારને નમ્ર અપીલ છે કે સમગ્ર રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે રાજ્યની દારુણ પરિસ્થતિ છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. દિનપ્રતિદિન લોકો આત્મહત્યા કરી રહ્યા છે.