Thursday, December 26, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાપક મેઘ મહેર: કલ્યાણપુર તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાપક મેઘ મહેર: કલ્યાણપુર તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ

ખંભાળિયા તથા દ્વારકામાં અઢી ઈંચ: ધરતીપુત્રો ખુશખુશાલ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારથી શરૂ થયેલી મેઘસવારીએ ગઈકાલે સોમવારે બ્રેક રાખ્યા બાદ આજરોજ પુનઃ મેઘાના મંડાણ થયા હતા. જિલ્લામાં ભાણવડ પંથકને બાદ કરતા તમામ ત્રણ તાલુકાઓમાં અઢીથી ત્રણ ઈંચ જેટલો મુશળધાર વરસાદ વરસી ગયો હતો.

ખંભાળિયા તાલુકામાં આજરોજ અસહ્ય બફારા અને ગરમીના માહોલ વચ્ચે બપોરે ઘટાટોપ વરસાદી વાતાવરણ છવાયું હતું અને દોઢેક વાગ્યે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. જે સાંજે પાંચેક વાગ્યા સુધી હળવા તથા ભારે ઝાપટા રૂપે અવિરત રીતે વરસ્યો હતો. આજે દિવસ દરમિયાન અઢી ઈંચ (62 મીલીમીટર) વરસાદ વરસી ગયો હતો. ખંભાળિયા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતીને ફાયદારૂપ વરસાદ વરસી જતા ધરતીપુત્રો ખુશખુશાલ બની ગયા છે. જોકે હજુ જળાશયોમાં નોંધપાત્ર નવું પાણી આવ્યું નથી. મુશળધાર વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી જોકે બપોર બાદ મેઘરાજાએ વિરામ રાખ્યો હતો અને ઉઘાડ થયો હતો.

આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં પણ બપોરે બાર થી ચાર વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ તૂટી પડતાં પણ ત્રણેક કલાકના સમયગાળા દરમિયાન ત્રણ ઈંચ (76 મીલીમિટર) વરસાદ નોંધાયો છે. તાલુકાના મેઘપર ટીટોડી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર 3 થી 4 ઈંચ વરસાદ વરસી જતા નવા નીરની આવક થવા પામી હતી. આટલું જ નહીં દ્વારકા પંથકમાં પણ આજે મેઘ મહેર હળવા તથા ભારે ઝાપટા રૂપે વરસતી હતી. બપોરે બે થી ચાર દરમિયાન વિજળીના ગડગડાટ સાથે મુશળધાર વરસાદ તૂટી પડતા સવા બે ઈંચ સહિત આજે સાંજ સુધીમાં કુલ પોણા ત્રણ ઈંચ (68 મિલીમીટર) વરસાદ વરસી ગયો હતો. જો કે ભાણવડ તાલુકામાં આજરોજ છુટાછવાયાં ઝાપટાંઓને બાદ કરતા નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular