દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં છેતરપિંડી ઉપરાંત જિલ્લાના જુદાજુદા પોલીસ મથક વિસ્તારમાં અપહરણ, દારૂ સહિતના જુદા જુદા ગુનાઓમાં તરખાટ મચાવી ફરાર થઈ ગયેલા પરપ્રાંતીય એવા દસ શખ્સોને જિલ્લા પોલીસે જુદી જુદી ટીમ બનાવી, રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા ઉત્તર પ્રદેશ વિગેરે સ્થળોએથી ઝડપી લઇ નોંધપાત્ર કામગીરી કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં અગાઉ અપહરણ, દારૂ, છેતરપિંડી સહિતના જુદા-જુદા ગુનાઓ આચરીને છેલ્લા બે દાયકાથી સમયાંતરે ફરાર થઈ ગયેલા પરપ્રાંતીય એવા દસ શખ્સોને જિલ્લા પોલીસે જુદા જુદા વિસ્તારોમાંથી દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા કાયદાકીય રીતે કડક અને નોંધપાત્ર કામગીરી કરવા માટેનું બીડું ઝડપવામાં આવ્યું છે. તે માટે અહીંના જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી, ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી, સમીર સારડા તથા એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડા સાથે ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસની ટીમ દ્વારા ખંભાળિયામાં છેતરપિંડી સહિતના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા દસ વર્ષથી નાસતા ફરતા રૂપલાલ કિસનજી પટેલ (ઉ.વ. 50, રહે. રાજસ્થાન), દ્વારકાના દારૂ પ્રકરણના છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપી દેવેન્દ્રસિંહ મધુસિંહ સતાહત (રહે. રાજસ્થાન), ભાણવડના દારૂ પ્રકરણમાં છેલ્લા સાત વર્ષથી નાસતા-ફરતા આરોપી મનોજકુમાર સુરેન્દ્રસિંહ કપૂર (ઉ. વ. 58, રહે. રાજસ્થાન), ભાણવડના કલમ 406, 420 ના ગુના સબબ છેલ્લા 15 વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓ કૈલાશચંદ્ર ગોપુરામ જોષી (ઉ.વ. 52, રહે. રાજસ્થાન) અને ચંદ્રકાંત જંપાલાલ જોશી (ઉ.વ. 42, રાજસ્થાન), ખંભાળિયાના કલમ 406, 420 ના ગુના સબબ છેલ્લા 11 વર્ષથી નાસતા ફરતા આરોપી જીવણનાથ શક્તિનાથ ઝા (ઉ.વ. 62, રહે. ઉત્તરપ્રદેશ), દ્વારકા પોલીસ મથકના ગુનાના છેલ્લા 21 વર્ષથી ફરાર આરોપી પારુભાઈ પીંદીભાઈ મેડા (ઉ.વ. 45, રહે. મધ્યપ્રદેશ), ભાણવડના અપહરણ પ્રકરણના છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા બે આરોપીઓ ગુડો ઉર્ફે ગુડ્ડુ ઉર્ફે રમેશ લક્ષ્મણભાઈ સુભાન(ઉ. વ. 28, હાલ રહે. રાણાવાવ, મુળ યુ.પી.) અને મહેશ ઉર્ફે મયો રામસિંગભાઈ બામનીયા (ઉ.વ. 22, રહે. ભાણવડ, મૂળ એમ.પી.) તેમજ ઓખા મરીન પોલીસ મથકના અપહરણ તથા બળાત્કાર પ્રકરણના છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા આરોપી અજય કાશીરામ નીરાલે (ઉ.વ. 28, રહે. પોરબંદર, મુળ એમ.પી.) નામના કુલ દસ શખસોને જુદા જુદા વિસ્તારોમાંથી દબોચી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓના કોરોના ટેસ્ટ બાદ મુદ્દામાલ કબજે કરી, રિમાન્ડ સહિતની જરૂરી કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા છે. જે માટે સ્થાનીક પોલીસ મથકના અધિકારીઓ- સ્ટાફની નોંધપાત્ર કામગીરીને જિલ્લા પોલીસ વડાએ બિરદાવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની આ નોંધપાત્ર અને પડકારરૂપ કામગીરી માટે દ્વારકા મંદિર વ્યવસ્થાના પી.એસ.આઈ. જી.જી. ઝાલા, ખંભાળિયાના પી.એસ.આઈ. આર.એમ. મુંધવા, ભાટીયાના પી.ડી. વાંદા, એસ.વી. ગળચર, પી.સી. સિંગરખીયા, સાથે સ્ટાફના સલાયાના હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા, ખંભાળિયાના વિરેન્દ્રસિંહ જાડેજા, સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ, જેસલસિંહ જાડેજા, મશરિભાઈ ભારવાડિયા, સહદેવસિંહ જાડેજા, રવિ નાગેશ, રોહિત થાનકી સહિતના સ્ટાફ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.
દ્વારકા જિલ્લાના ગુનાઓમાં નાસતા-ફરતા અન્ય રાજ્યોના આરોપીઓને દબોચી લેતુ એલસીબી
જુદા જુદા વિસ્તારોમાંથી આરોપીઓને ઝડપી લેવા પોલીસની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત