દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરુવારે તથા શુક્રવારે મેઘરાજા મહેરબાન રહ્યા બાદ ગઈકાલે બપોરથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે. આ સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 27 ઈંચથી વધુ થવા પામ્યો છે. હાલ મેઘાવી માહોલ વચ્ચે વાતાવરણમાં આહલાદક ઠંડક અનુભવાઈ રહી છે.
ખંભાળિયા તાલુકામાં ગઈકાલે સવારના સમયે કુલ સવા આઠ ઈંચ (217 મિલીમીટર) વરસાદ વરસી ગયા બાદ બપોરથી મેઘવીરામ રહ્યો હતો અને સૂર્યનારાયણના દર્શન થતાં લોકોએ રાહત અનુભવી હતી. આ ઉપરાંત છૂટાછવાયા હળવા છાંટા વચ્ચે આજે સવારથી વાદળોનું જોર રહ્યું છે. જે વચ્ચે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગ દ્વારા આજે સવાર સુધી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ જિલ્લાના કોઈપણ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. આજે સવારે 10 વાગ્યા સુધીમાં તાલુકામાં ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 42 ઈંચ (1056 મિલીમીટર), દ્વારકા તાલુકામાં 28 ઈંચ (695 મિલીમીટર), કલ્યાણપુર તાલુકામાં 22 ઈંચ (554 મિલીમીટર) જ્યારે ભાણવડ તાલુકામાં માત્ર 17 ઈંચ (422 મિલીમીટર) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 27 ઈંચ (681 મિલીમીટર) થવા પામ્યો છે. આમ, જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 91.51 વરસી ગયાનું સરકારી ચોપડે નોંધાયું છે.