હાલારના દરિયાકિનારેથી થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે એટીએસ અને એસઓજી દ્વારા કડક કાર્યવાહી અંતર્ગત જામનગરના સચાણા અને જોડિયા ગામના બે શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી તેમજ સચાણા જેટી પરથી એક બોટ કબ્જે કરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર નજીક ખીજડિયા બાયપાસ પાસેથી એસઓજીની ટીમે હાલમાં જ એક દંપતીને ઝડપી લઇ તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ રાજ્યની એટીએસ ટીમ દ્વારા એસઓજીને સાથે રાખી જામનગર જિલ્લાના જોડિયા અને સચાણા ગામમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પહેલાં એટીએસે ડ્રગ્સ મામલે આઠ શખ્સોની પૂછપરછ હાથ ધરી હતી. મંગળવારે જામનગરના સચાણા અને જોડિયાના દરિયાઈકિનારાના વિસ્તારમાં નિરીક્ષણ કરી તપાસ આરંભી બે શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી તેમજ સચાણા જેટી પર તપાસ દરમિયાન એક બોટ કબ્જે કરવામાં આવી હતી.
એટીએસ અને એસઓજીના સંયુકત ઓપરેશનમાં ઝડપાયેલા બે શખ્સો પૈકીના એક શખ્સને અમદાવાદ પૂછપરછ માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યારે એક શખ્સની જામનગર એસઓજી દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન એસઓજીની ટીમે એક શખ્સને ચાર કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જો કે, જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી ચિંતાજનક રીતે વધી ગઈ છે. ત્યારે આ પ્રવૃત્તિઓ ડામવા માટે સરકાર દ્વારા પોલીસને કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.