જામનગરમાં ભીમવાસ, નવાગામ ઘેડ અને જોડિયા ભૂંગા સહિતના વિસ્તારમાં મોડી રાત્રે 1 વાગ્યા પછી લગ્ન પ્રસંગના દાંડિયારાસમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ રાખનાર 6 ડીજે ઓપરેટરોની પોલીસ દ્વારા અટકાયત કરી જાહેરનામાનો ભંગ અંગે ગુના નોંધી તેઓની સાઉન્ડ સિસ્ટમ સહિતની સામગ્રી કબજે કરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં ભીમવાસ શેરી નંબર -1 માં એક લગ્ન પ્રસંગમાં રાત્રીના એક વાગ્યાને પંદર મિનિટે ડીજેના ધમધમતા સાઉન્ડ પર ડાંડિયારાસ નો કાર્યક્રમ ચાલતો હોવાનું પોલીસના ધ્યાનમાં આવતાં મહિલા પી.એસ.આઇ એસ.વી. સામાણી અને સ્ટાફે દરોડો પાડી મોડી રાત્રી સુધી સાઉન્ડ ચાલુ રાખી ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કરનારા ડીજે ઓપરેટર મુકેશ વિનુભાઈ સોલંકી ની અટકાયત કરી જાહેરનામાના ભંગ બદલનો ગુનો નોંધ્યો હતો. પોલીસે તેની ડીજે સિસ્ટમ સામગ્રી પણ કબજે કરી છે.
આ ઉપરાંત ભીમવાસ શેરી નંબર 1 માં જ રાત્રિના સવા બે વાગ્યે અન્ય એક ડીજે ઓપરેટર મુકેશ રામજીભાઈ ચૌહાણ દ્વારા લગ્ન પ્રસંગ ના ડાંડિયારાસ ને અનુરૂપ સાઉન્ડ સિસ્ટમ ચાલુ રખાતા પોલીસે રેઈડ દરમિયાન ડીજે ઓપરેટર મુકેશ ચૌહાણની અટકાયત કરી સાઉન્ડ સિસ્ટમ વગેરે કબજે કરી લીધા છે. તેમજ નવાગામ ઘેડ વિસ્તારમાંથી રાત્રિના બે વાગ્યે સાઉન્ડ સિસ્ટમ ચાલુ રાખવા અંગે રોહિત કાનજીભાઇ મકવાણા અને રમેશ હમીરભાઇ મકવાણા નામના બે ડીજે ઓપરેટરોને ઝડપી લઇ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી સાઉન્ડ સિસ્ટમ વગેરે કબજે કર્યા છે. ચોથો દરોડો જોડિયા ભૂંગા વિસ્તારમાં મોડી રાત્રે સાઉન્ડ સિસ્ટમ ચાલુ રાખનાર અલ્તાફ મામદભાઇ રાજાણી નામના ડીજે ઓપરેટરની અટકાયત કરી સામગ્રી કબજે કરવામાં આવી છે. જ્યારે હનુમાન ટેકરી વિસ્તારમાં પણ મોડી રાત્રે સુધી ડીજે સિસ્ટમ ચાલુ રાખનાર સંજય શિવલાલભાઈ સિંધવની પોલીસ દ્વારા અટકાયત કરી લઇ તેની સામે પણ ગુનો નોંધી સાઉન્ડ સિસ્ટમ કબજે કરવામાં આવી હતી.