ખાનગી શાળામાં ફી વધારો પાછો ખેંચવાનો પરિપત્ર કરવા જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં જણાવ્યું છે કે, હાલ શાળાના વેકેશનો પુરા થયા છે. વેકેશન ખુલતાં જ શાળા વાલીઓ પાસે ફીની અપેક્ષા રાખશે. હાલ કોરોનાની મહામારીમાં મોટાભાગની શાળાઓએ પોતાની ફીમાં વધારો કરીને ફી ઉઘરાવવાનું શરુ કર્યું છે. નિયમ મુજબ કોઇપણ શાળાએ ફી વધારા માટે એફઆરસી કમિટી સમક્ષ આધાર પુરાવા સાથે પોતાની ફાઇલ મૂકવાની હોય છે અને એફઆરસી કમિટીની શાળાઓનો ફી વધારો યોગ્ય લાગે તો ફી ભધારો કરવા આદેશ કરતી હોય છે. પરંતુ જામનગરમાં કોઇપણ શાળાની ફી વધારાની ફાઇલ વર્ષ 2021-22 માટે એફઆરસી કમિટીએ મંજુર કરેલ નથી. ઘણી શાળાઓએ તો કમિટી સમક્ષ ફાઇલ મૂકી પણ નથી. આવી પરિસ્થિતિમાં શાળાઓ ફી વધારો કરી વાલીઓ પાસેથી નવી વધારેલી ફી વસુલી રહી છે. જે ગેરકાયદેસર છે. આથી જ્યાં સુધી એફઆરસી કમિટી કોઇપણ શાળાને ફી વધારાની મંજુરી આપે નહીં ત્યાં સુધી જુની ફી વસુલવા અને 48 કલાકમાં ફી વધારો પાછો ખેંચવાનો પરિપત્ર જાહેર કરવા માંગણી કરાઇ છે. જો તેમ નહીં થાય તો યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સમક્ષ આંદોલનની ચિમકી ઉચ્ચારાઇ છે.
આ તકે જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, ગુજરાત યુવક કોંગ્રેસ મંત્રી શક્તિસિંહ જેઠવા, એનએસયુઆઇ જામનગર પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, દિગુભા જાડેજા, સહારાબેન મકવાણા, ચિરાગ ઝિંઝુવાડીયા, જીગરભાઇ રાવલ, મેહુલભાઇ વસિયર, યશરાજ જેઠવા, જયરાજસિંહ જાડેજા, જૈનુલ સૈયદ, રવિરાજસિંહ ગોહિલ વગેરે ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.