જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્મશાન બનાવવા, સ્પોર્ટસ કોમ્પ્લેકસ, એનિમલ હોસ્ટેલ તથા બીજો ટાઉનહોલ બનાવવા નવનિયુક્ત વિપક્ષી નેતા દ્વારા મેયરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે અને વર્ષ 2023ના બજેટમાં આ તમામ સુવિધાઓનો સમાવેશ કરવા માગણી કરી છે.
જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષ નેતા ધવલ નંદા દ્વારા મેયરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હાલ જામનગર શહેરની અંદાજિત 8 લાખથી વધુની વસ્તી છે અને આખા જામનગર શહેરમાં માત્ર સંસ્થાના ત્રણ સ્મશાન છે અને તે પણ કોર્પોરેશન દ્વારા બનાવેલ નથી. અગાઉના બજેટમાં કોર્પોરેશન દ્વારા લાલપુર બાયપાસ પાસે સ્મશાન પાસ કર્યું છે. પરંતુ સ્મશાન બનાવ્યું નથી અને કોરોના મહામારીમાં સોનાપુરી સ્મશાનમાં આઠથી દશ કલાક જેટલુ વેઇટીંગ ચાલતું હતું. આ ઉપરાંત જામનગર શહેરની અંદર હાલમાં એક જ સ્પોર્ટસ કોમ્પ્લેકસ છે. શહેરની વસ્તી પ્રમાણે ઓછામાં ઓછા બે થી ત્રણ કોમ્પ્લેકસ જરુરી છે. અગાઉના બજેટમાં સ્પોર્ટસ કોમ્પ્લેકસ મંજુર થયા છે. પરંતુ બનાવાયા નથી. આથી વર્ષ 2023ના બજેટમાં સ્પોર્ટસ કોમ્પ્લેકસ સમાવવામાં આવે. જેથી જામનગરની જનતા વિવિધ ગેમ્સની મજા માણી શકે અને કોર્પોરેશનને આવક પણ થાય.
જામનગરમાં એનિમલ હોસ્ટેલ બનાવવા પણ અગાઉની જનરલ બોર્ડમાં નિર્ણય લેવાયો છે. આ અંગે પણ રજૂઆત કરાઇ છે. એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવે તો શહેરમાંથી રખડતાં ઢોરનો ત્રાસ પણ ઘટે. તેમજ જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે અગાઉના બજેટમાં બીજો ટાઉનહોલ નક્કી થયો છે, પરંતુ બન્યો નથી. માટે વર્ષ 2023ના બજેટમાં તેનો સમાવેશ કરવા પણ માગણી કરાઇ છે.