ભાણવડ વિસ્તારને કોચૂવેલી અને સિકંદરાબાદ દોડતી લાંબા અંતરની ટ્રેઇનનો સ્ટોપ ના હોવાથી મુસાફરોમાં રોષ જોવા મળે છે. આ બાબતે શહેર ભાજપ ઉપપ્રમુખ નિરવ રાજાણીએ ભાવનગર ડિવિઝન સહિત સાંસદ પૂનમબેન માડમને રજૂઆત કરી ઘટતી કાર્યવાહી કરવા માગણી કરી છે.
ભાણવડ વિસ્તારની મુસાફર જનતા સાથે રેલતંત્ર અન્યાય કરી રહ્યાનું લોકો માની રહ્યા છે. ખાસ કરીે લાંબા અંતરની ટ્રેઇનના સ્ટોપ બાબતે ધ્યાન અપાતું જ નથી. ભાણવડના રેલવે સ્ટેશન ઉપરથી પસાર થતી પોરબંદર-કોચુવેલી વિકલી ટ્રેઇન જ્યારથી શરુ થઇ છે. ત્યારથી ભાણવડને સ્ટોપ મળ્યો નથી.
ઉપરાંત પોરબંદર-સિકંદરાબાદ વિકલી ટ્રેઇનને પણ ભાણવડ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ નથી. આ ટ્રેઇનનો કોરોના પહેલા ભાણવડને સ્ટોપ અપાયો હતો. પરંતુ કોરોના બાદ ટ્રેઇન તો શરુ થઇ છે. પરંતુ ભાણવડ સ્ટોપની રેલવે ડિવિઝનને બાદબાકી કરી અન્યાય કર્યો છે.
ઉપરોક્ત લાંબા અંતરની ટ્રેઇનને ભાણવડ સ્ટોપ મળે એ બાબતે અનેક રજૂઆત કરઇ છે. પરંતુ રેલતંત્ર દાદ આપતુ નથી. અત્રે નોંધનિય બાબત એ છે કે, ભાણવડ રેલવે સ્ટેશન ખાતે લાંબા અંતરની ટ્રેઇન સ્ટોપ સુવિધા અપાઇ તો તેનો ભાણવડ સહિત જામજોધપુરની મુસાફર જનતા પણ લાભ લઇ શકે છે. ત્યારે રેલતંત્ર આ દિશામાં હકારાત્મક વલણ અપનાવે એવી અંતમાં માગણી નિરવ રાજાણીએ કરી છે.