જામનગરમાં વેક્સિન પ્રક્રિયામાં લોકોને મુશ્કેલી પડી રહી હોય, રસિકરણ કેન્દ્ર ખાતે લોકોની ભીડ જામી રહી હોય, પુરતા પ્રમાણમાં રસી હોતી નથી. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા તમામને વેક્સિન મળી રહે તે માટે કાર્યવાહી કરવા વોર્ડ નં. 15ના કોર્પોરેટર આનંદ રાઠોડ દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરાઇ છે.
જેમાં જણાવ્યું છે કે, જામનગરમાં લોકો વેક્સિન લેવા માટે હેરાન-પરેશાન થાય છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં માત્ર 50થી 100 વેક્સિન જ ઉપલબ્ધ હોય છે અને દરેક આરોગ્ય કેન્દ્રમાં 500 થી 600 લોકો હોય છે. સરકાર પ્રજાને વેક્સિન લગાડવા કહી રહી છે અને મોટા-મોટા બેનરો દ્વારા લોકોને વેક્સિન લગાવવા જાહેરાતો કરે છે. તે બેનરો માટે સરકાર લાખો-કરોડોનો ખર્ચ કરી રહી છે. તેના કરતાં વધુ ખર્ચ વેક્સિન માટે કર્યો હોત તો લોકો હેરાન ન થાત. આથી તમામ આરોગ્ય કેન્દ્રમાં જરુરીયાત મુજબ વેક્સિનનો જથ્થો પહોંચાડવા માંગણી કરાઇ છે. કોરોનાની ત્રીજી લ્હેરની ચેતવણી વચ્ચે હાલમાં જામનગરમાં લોકો વેક્સિન લગાવવા જાય ત્યાં ભીડ હોય છે. હાલમાં જે વેક્સિન કેમ્પ ચાલુ છે. તેમાં માત્ર વેક્સિનના 100 ડોઝ જ આવે છે. તેમાં પણ 18 થી 45 વર્ષના 100 વ્યક્તિ નવા રજીસ્ટરવાળા હોય છે. પુરતો સ્ટોક ન હોય, પ્રથમ ડોઝવાળા અને રજીસ્ટર કરેલ દર્દીઓને પણ પુરતી વેક્સિન મળતી નથી અને બીજા ડોઝવાળા માત્ર 20 ટકા લોકોને જ વેક્સિન મળે છે. 80 ટકા લોકો હેરાન-પરેશાન થઇ પરત ચાલ્યા જાય છે. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે. જો જામનગર શહેરમાં વેક્સિનનો પુરતો જથ્થો નહીં મળે તો કમિશનરની ઓફિસ સામે ઉપવાસ આંદોલન તથા ધરણા ઉપર બેસવા કોર્પોરેટર આનંદ રાઠોડ દ્વારા ચિમકી ઉચ્ચારાઇ છે.
જામનગર શહેરમાં વેક્સિનનો જથ્થો પુરો પાડવા માંગણી
વોર્ડ નં. 15ના કોર્પોરેટર દ્વારા કમિશનરને રજૂઆત : ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારાઇ