જામનગરમાં સુભાષપરા-1 શેરી નં.1 વિસ્તારના રહેવાસીઓ દ્વારા આ વિસ્તારમાં આવેલ ઈદ મસ્જિદમાં થતા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા જામનગર મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી આવી હતી.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, 49 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં ઈદ મસ્જિદ આવેલ છે. આ વિસ્તારમાં રહેતાં સુભાષપરાના લતાવાસીઓએ જણાવ્યું છે કે, ઈદ મસ્જિદમાં તેમજ આ વિસ્તારની લગોલગ અંદાજિત 18 થી 20 દુકાનોનો ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યુ છે. તેમજ હાલમાં પણ ત્રણ દુકાનોનું બાંધકામ ચાલુ છે. બાંધકામ કરવા અંગે મહાનગરપાલિકાની મંજૂરી પણ લીધી નથી. તેમજ મિલકત વેરા અંગેની કોઇ ફાળવણી નથી. આ ઉપરાંત ઈદ મસ્જિદની જગ્યામાં રેતીનો સંગ્રહ લાંબા સમયથી કરવામાં આવે છે તેમજ ગેરકાયદે રેતીનો વેપાર કરવામાં આવે છે. આ અંગે પણ પગલાં લેવામાં આવ્યા નથી. આ અંગે વિસ્તારના રહેવાસીઓ દ્વારા વર્ષ 2017 માં ગેરકાયદેસર બાંધકામ અંગે રજૂઆત કરી હતી. તેમ છતાં કોઇ પગલાં લેવામાં આવ્યાં નથી.
આથી સુભાષપરા વિસ્તારમાં આવેલ ઈદ મસ્જિદ વાળી જગ્યા પાસેથી ગેરકાયદેસર દુકાન તોડી પાડવા તેમજ પીજીવીસીએલના આધાર પૂરાવા અંગેના થ્રી ફેસ લાઇટ કનેકશનો દૂર કરવા અને રેતીનો સંગ્રહ તથા ગેરકાયદેસર વેપાર બંધ કરાવવા માંગણી કરાઇ છે.