પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ કલબ, જામનગર ફોટોગ્રાફર્સ એસોસિએશન અને ઇમેજ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે કલેકટરને આવેદનપત્ર પાઠવી લોકડાઉનના કારણે મેરેજ અને માંગલિક પ્રસંગોના આયોજન ઠપ્પ થઇ જતાં જામનગર જિલ્લાના તમામ ફોટોગ્રાફર્સ-વિડીયોગ્રાફરો, ફોટો ક્રિએટર, વિડીયો એડિટર, લેબ માલિકો અને ડ્રોન ઓપરેટરો તથા લેમિનેશન અને ફોટો ફ્રેમિંગ સાથે સંકમળાયેલ તમામ ધંધાર્થીઓના ધંધા છેલ્લા દોઢ વર્ષથી પડી ભાંગ્યા છે અને તમામ ધંધાર્થી બેરોજગાર બની ગયા છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે ફાંફા થઇ ગયા છેઅ ને હાલ કોરોનાની ત્રીજી લહેર પણ આવવાના ચાન્સ હોય તમામ ફોટોગ્રાફરો કફોડી પરિસ્થિતિમાં મૂકાઇ ગયા છે.
આ વિકટ સ્થિતિમાં જામનગર જિલ્લાના તમામ ફોટોગ્રાફર એસો.એ ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી તમામ ફોટોગ્રાફી સાથે સંકળાયેલા ધંધાર્થીઓને વ્યવસાય વેરો, ઇલેકટ્રીક બિલમાં અને દુકાન-મકાનના પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવા તેમજ બેંકમાં ખૂબ જ સરળતાથી સબસીડી સાથેની આત્મ નિર્ભર લોન મળે અને કેમેરા-લેન્સ-કોમ્પ્યુટર વિગેરે સાધનો વસાવવા માટે લીધેલ લોનના હપ્તામાં બેંકો દ્વારા હાલ પુરતા 1 વર્ષ હપ્તા ભરવામાંથી મુક્તિ મેળવવા અરજ કરી છે.
આ તકે જામનગર જિલ્લાના તમામ ફોટોગ્રાફરો વતી પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ કલબના મૂકેશ સોલંકી, રૂષિ જોષી, મનિષ મિસ્ત્રી, રાજુ સોમપુરા, કટારીયા રાજેશ, શંકર નેહલાણી તેમજ જામનગર ફોટોગ્રાફર્સ એસો.ના પંકજ ભટ્ટ, સંદિપ દોશી, જયેશ નાખવા, દિપેન મિસ્ત્રી અને ઇમેજ ફોટોગ્રાફર એસો.ના રાજુ યાદવ, ભરત ચૌહાણ વગેરે ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.
કોરોનાના કારણે ફોટો અને વિડીયોગ્રાફી બંધ થતાં વેરા અને ઇલેકટ્રીક બિલમાં રાહત આપવા માંગ
પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ કલબ, જામનગર ફોટોગ્રાફર એસો. અને ઇમેજ ફોટોગ્રાફર એસો. દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું