રાજ્યમાં ધો. 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત આપવા જામનગર એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી મારફત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ શિક્ષણ બોર્ડના અધ્યક્ષને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે.
હાલમાં કોરોનાની મહામારીને કારણે શૈક્ષણિક વર્ષ 2020-21ના ગુજરાતના ધો. 10 બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધો. 10 બોર્ડના પ્રત્યેક વિદ્યાર્થી દીઠ અંદાજીત રૂા. 355ની પરીક્ષા ફી, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉઘરાવવામાં આવે છે. જેમાં ફકત જામનગરના જ 18 થી 20 હજાર વિદ્યાર્થીઓ હશે અને સમગ્ર ગુજરાતમાં આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓ હશે. તેમાંથી પરીક્ષા ફીનો આંકડો કરોડો રૂપિયાનો થાય છે. હાલ કોરોના મહામારીમાં લોકો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યાં છે. આવા સમયે પરીક્ષા જ ન લેવાઇ હોય તો તેની ફી પણ પરત આપવી જોઇએ તેમ આ આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે.
વહેલામી વહેલી તકે ધો. 10 બોર્ડની પરીક્ષા ફી જો પરત આપવામાં નહીં આવે તો એનએસયુઆઇ દ્વારા આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આ તકે જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, ગુજરાત યુવક કોંગ્રેસના મંત્રી શક્તિસિંહ જેઠવા, એનએસયુઆઇ જામનગરના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ ગોહિલ, દિવ્યરાજસિંહ ચૌહાણ, ગિરૂભા ચુડાસમા સહિતના યુવક કોંગ્રેસના તથા એનએસયુઆઇના હોદ્ેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.
ધો. 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત આપવા માંગણી
યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવાયું