જામનગર સહિત રાજ્યની તમામ ધો.9 થી 12ની ખાનગી શાળાઓને તાત્કાલિક ધોરણે શરૂ કરવાની મંજૂરી આપવા સ્વનિર્ભર શાળા સંચાલન મંડળ જામનગરના પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા સહિતના હોદ્દેદારો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં જણાવાયું છે કે, હાલમાં કોરોના મહામારી કાબુમાં આવી રહી છે. સરકાર દ્વારા ટયુશન કલાસીસ, સરકારી સ્કૂલો, ધાર્મિક સ્થળો, સ્વીમિંગ પુલ વગેરે ખોલવાની મંજૂરી આપી છે. પરંતુ, ખાનગી શાળા ખોલવાની માંગને અણદેખી કરવામાં આવી રહી છે. આથી જે રીતે કોરોનાની બીજી લહેર પહેલાં શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજૂરી અપાઈ હતી તે રીતે ખાનગી શાળાઓ ખોલવા મંજૂરી આપવા માગણી કરાઇ છે. વધુમાં જણાવ્યું છે કે, ટયુશન કલાસિસની સરખામણીએ શાળાઓના વર્ગખંડ, મકાનો અને સગવડતાઓ વધારે હોય તેથી ટયુશન કલાસીસની સરખામણીએ શાળાઓ કોરોના ગાઈડલાઈનનું વધુ સારી રીતે પાલન કરી શકે છે. આ ઉપરાંત ગુજરાતના અમુક અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટની કનેકટીવીટી મોટી સમસ્યા છે. ઘણાં બાળકો એવા છે જેમણી પાસે ઈન્ટરનેટ કે મોબાઇલ ફોનની જરૂરી વ્યવસ્થા નથી તેવા બાળકોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. ગુજરાત રાજ્યના શાળા સંચાલકો સ્ટાફ અને શિક્ષકોને વેકિસનના બન્ને ડોઝ અપાઈ ગયા છે. તેથી આવનાર વિદ્યાર્થીઓ માટે શાળા અને શિક્ષકો સુરક્ષિત છે. આથી આ અંગે યોગ્ય નિર્ણય કરી શાળાઓ શરૂ કરવા માંગણી કરાઇ છે જો આ માગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શાળા સંચાલકો દ્વારા આંદોલન તેમજ શિક્ષણ કાર્યનો બહિષ્કારની પણ ચિમકી ઉચ્ચારાઈ છે.
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ વતી પ્રમખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતિનભાઈ ભરાડ, સવજીભાઇ પટેલ, એમ.પી. ચંદ્રન, ઉત્પલભાઇ શાહ, મહામંત્રી રાજેશભાઈ નાકરાણી, સંયોજક મનહરભાઈ રાઠોડ, પ્રવકતા ડો. દિપકભાઇ રાજ્યગુરૂ, રાજકોટ જિલ્લાના પ્રમુખ ડી.વી. મહેતા તેમજ કોર કમિટી અને કારોબારી સમિતિના તમામ સભ્યો દ્વારા સરકાર સમક્ષ શાળાઓ શરૂ કરવા દેવા માગણી કરવામાં આવી છે.