ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યુ પામતાં ખેડૂતો તથા ખેતમજૂરોને અકસ્માત વિમા યોજના હેઠળ સમાવેશ કરી સહાય ચૂકવવા જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા કૃષિમંત્રી આર.સી. ફળદુને પત્ર લખી રજૂઆત કરી છે.
જેમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીમાં રાજ્યમાં ખેડૂતો અને ખેતમજૂરો દિનપ્રતિદિન મૃત્યુ પામે છે. આવા કુટુંબનો મોભી વ્યક્તિ મૃત્યુ પામતાં કુટુંબ નિ:સહાય અને નિરાધાર બની ગયા છે. તેમને કુટુંબનો ભરણપોષણ કરવામાં પણ પારાવાર તકલીફ પડે છે. વધારામાં કામ-ધંધા બંધ છે. જે કંઇ રકમ બચત હોય તે પણ કોરોનાની સારવારમાં ખર્ચાઇ જાય છે. આવી દયનિય સ્થિતિમાં રાજ્ય સરકાર આવા પરિવારો માટે વ્હારે આવે તે સમયની તાતી જરૂરિયાત છે. આવા સંજોગોમાં રાજ્ય સરકારની ખેડૂતોના પરિવાર માટે ખેડૂત અકસ્માત વિમા યોજના અને ખેતમજૂરો માટે શ્રમ વિભાગ દ્વારા વિમા યોજનાનું અમલિકરણ થઇ રહ્યું છે અને આ યોજનાનું ચૂકવણું રાજ્ય સરકારના ફંડમાંથી કરવામાં આવે છે. આથી તાત્કાલિક ધોરણે આ બંને યોજનામાં કોરોનાના કારણે મૃત્યુ પામતાં ખેડૂતો અને ખેતમજૂરોને સમાવેશ કરી સહાય કરવા માંગણી કરાઇ છે.
ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામતાં ખેડૂતોને અકસ્માત વિમા યોજના હેઠળ સમાવવા માંગણી
જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત