જીપીએમસી એકટ 1949 ની કલમ 260 (2) હેઠળ નોટિસ અંતર્ગત કામગીરીમાં બેદરકારી દાખવેલ અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકાના કાર્યપાલક ઈજનેર, ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા જામનગરના વાલ્કેશ્ર્વરીનગરીમાં આવેલ ધી નેસ્ટ ના સાત ફલેટધારકોને ગેરકાયદેસર બાંધકામ અંગે પત્ર પાઠવી ત્રણ દિવસની અંદર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા જણાવ્યું હતું. પરંતુ 80 દિવસ જેટલો સમય વીતી જવા છતાં કોઈ પણ જાતના અવરોધ વગર આ કામ ચાલુ છે. આથી આ ગેરકાયદેસર બાંધકામ અટકાવવા તથા દૂર કરવા અંગે જે અધિકારીઓએ બેદરકારી દાખવી હોય તેની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવા તથા બાંધકામ દૂર કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નીતિન માડમ દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત 10 દિવસની અંદર આ અંગે સંતોષકારક કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત તથા ફરજમાં બેદરકારી અંગે કાનૂની કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે.