કોરોનાની બીજીલહેર દેશભરમાંથી ધીમે-ધીમે અંત તરફ જઇ રહી છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા સોમવારથી હળવી કોવિડ ગાઇડલાઇન સાથે મહતમ છુટછાટો આપવામાં આવી છે. અને આવતીકાલથી તમામ વ્યવસાયો ખુલ્લી જશે. ઘણાંસમયથી કોરોના મહામારીના કારણે દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન ચાલી રહ્યું હતું. આ મહામારીનું સંક્રમણ ક્રમશ: ઘટતું હોવાથી રાજ્ય સરકારે લોકડાઉન ખોલવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. અને આ નિર્ણયની અમલવારી આવતીકાલથી લાગુ કરી દેવામાં આવશે. તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
દેશની રાજધાની દિલ્હીમાં હવે કોરોનાની સ્થિતિમાં ઘણો ઘટાડો થયો છે. તેને જોતાં રવિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકડાઉનમાં વધુ છૂટછાટની જાહેરાત કરી હતી. અનલોક કરવાની પ્રક્રિયા હેઠળ સોમવારથી દિલ્હીમાં તમામ બજારો અને મોલ્સ સંપૂર્ણ રીતે ખોલી શકાશે. જ્યારે, 50% બેઠક ક્ષમતા સાથે રેસ્ટોરન્ટ્સને પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટેનો સમય સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં સોમવારથી સરકારી કચેરીમાં, 100% અધિકારી અને બાકીના કર્મચારીઓ 50% ક્ષમતા સાથે કામ કરશે. ખાનગી ઓફિસોમાં 50% ક્ષમતા સાથે સવારે 9 થી સાંજના 5 સુધી કાર્ય કરાશે. સાપ્તાહિક બજારને મંજૂરી આપવામાં આવી રહી છે, પરંતુ એક દિવસમાં એક ઝોનમાં ફક્ત એક જ સાપ્તાહિક બજારને મંજૂરી આપવામાં આવશે. લગ્ન 20 લોકો સાથે ઘરે અથવા કોર્ટમાં જં થઈ શકે છે. ધાર્મિક સ્થળો ખોલવામાં આવી રહ્યા છે, પરંતુ ભક્તોને જવા માટે મંજૂરી નહીં. મેટ્રો અને બસો 50% ક્ષમતા સાથે દોડશે. ઓટો, ઇ-રિક્ષા અને ટેક્સી 2 થી વધુ મુસાફરોને બેસાડી શકશે નહીં.
શાળા-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક મેળાવડા, સ્વિમિંગ પુલ, સ્ટેડિયમ, રમત સંકુલ, સિનેમાઘરો, થિયેટરો, મનોરંજન પાર્ક, બેંકવેટ હૉલ, ઓડિટોરિયમ, સ્પા, જીમ, જાહેર ઉદ્યાનો અને બગીચા સંપૂર્ણપણે બંધ રહેશે.