ગત તા.3 ના રોજ યમનના ભરભરા બંદરથી વહાણ ઓખા બંદર જઈ રહ્યું હતું. આ દરમિયાન વહાણ ડૂબવા લાગતા વહાણમાં રહેલા 11 ખલાસીઓ દરિયામાં કૂદી પડયા હતાં. આ દરમિયાન બાજુમાંથી પસાર થતા અન્ય વહાણે ખલાસીઓને બચાવી લીધા હતાં પરંતુ આ દરમિયાન ઠંડીમાં ઠુઠવાઈને સલાયાના ખલાસીનું મૃત્યુ થયું હતું.
સલાયા ગની હાસમ આમળા નામના ખલાસી યમનનના મરવાન વહાણમાં ખલાસી તરીકે નોકરી કરતા હતાં. આ વહાણમાં અન્ય 10 ખલાસી હતાં. જેમાંથી બે ખલાસી સલાયા, બે ખલાસી જોડિયા તથા સાત ખલાસી વિદેશી હતાં. આ વહાણ જનરલ કાર્ગો ભરી તા.03/2/2023 ના રોજ યમનના ભરભરા બંદરેથી નિકળી ઓખા બંદરે જતા હતાં. ત્યારે રાત્રિના સમયે આ વહાણ આકસ્મિક સંજોગોમાં દરિયામાં ડૂબવા લાગતા વહાણના તમામ 11 ખલાસીઓ દરિયામાં કુદી પડયા હતાં જેને બાજુમાંથી પસાર થતા હસન નામના વહાણે બચાવી ભરભરા બંદરે લઇ ગયા હતાં. જ્યાં કાતિલ ઠંડીમાં ઠુઠવાઇને સલાયાના ગની હાસમ આમળા (ઉ.વ.38) નું કરૂણ મૃત્યુ થતા સલાયાના મુસ્લિમ સમાજમાં શોકની લાગણી પ્રસરી છે.