કાલાવડમાં રહેતી યુવતી તેના ઘરે ભૂલથી ઝેરી દવા પી જતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું. લાલપુર તાલુકાના દેવગઢ વાડી વિસ્તારમાં રહેતા તરૂણ નિંદ્રાધિન હતો તે દરમિયાન સાંપ કરડી જતાં સારવાર દરમિયાન જી.જી.હોસ્પિટલમાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવ અંગેની વિગત મુજબ, કાલાવડ ગામમાં રહેતા પ્રકાશ ચાવડા નામના યુવાનની પુત્રી એકતાબેન ચાવડા (ઉ.વ.19) નામની યુવતીએ ગત શુક્રવારે સવારના સમયે તેના ઘરે ભૂલથી ઝેરી દવા પી જતાં સારવાર માટે પ્રથમ કાલાવડ સીએચસી સેન્ટરમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ શનિવારે રાત્રિના સમયે મોત નિપજ્યું હતું. આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો એસ એસ જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર તાલુકાના દેવગઢ ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતમજૂરી કરતા આદિવાસી પરિવારના હિરાલાલ જામસીંગ બેકોલ (ઉ.વ.17) નામનો તરૂણ ગત મંગળવારે રાત્રિના સમયે તેના ખેતરમાં નિંદ્રાધિન હતો તે દરમિયાન સાંપ કરડી જતાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું શનિવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે એએસઆઇ વી.પી. ઝાલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
કાલાવડમાં ભૂલથી ઝેરી દવા પી જતાં યુવતીનું મોત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ : દેવગઢના વાડી વિસ્તારમાં સાંપ કરડી જતાં તરૂણનું મોત