ખંભાળિયામાં ભઠ્ઠી ચોક વિસ્તારમાં રહેતી યુવતીએ તેણીના ઘરે અકળકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. દ્વારકામાં ભથાણ ચોક વિસ્તારમાં રહેતાં પ્રૌઢાએ તેણીના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
પ્રથમ બનાવ, ખંભાળિયામાં ભઠ્ઠી ચોક વિસ્તારમાં આવેલી મટન માર્કેટ ખાતે રહેતી મુસ્કાન જાવેદશા દરવેશ નામની 22 વર્ષની પરિણીત યુવતીએ શનિવારે સવારના સમયે કોઈ અકળ કારણોસર પોતાના ઘરે છતના પીઢીયામાં દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. મૃતકનો લગ્ન ગાળો આશરે સવા વર્ષનો હતો. આ બનાવ અંગે ઈકબાલભાઈ સલીમભાઈ શેખએ અહીંની પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી નોંધ કરી આગળની તપાસ પીએસઆઈ ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
બીજો બનાવ, દ્વારકામાં ભથાણ ચોક વિસ્તારમાં આવેલી કુંભાર શેરી ખાતે રહેતા રસીલાબેન રાજેશભાઈ વેગડ નામના 55 વર્ષના મહિલાએ શનિવારે રાત્રિના સમયે પોતાના ઘરે પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ રાજેશભાઈ મોહનભાઈ વેગડએ દ્વારકા પોલીસને કરી છે.