Saturday, December 28, 2024
Homeરાજ્યજામજોધપુરના જામવાડીમાં આંચકી ઉપડતા બાળકનું મોત

જામજોધપુરના જામવાડીમાં આંચકી ઉપડતા બાળકનું મોત

આઠ વર્ષથી આંચકીની બીમારી: સારવાર કારગત ન નિવડી : ટોડા ગામમાં હૃદયરોગના હુમલાથી યુવાનનું મોત: જામનગરમાં બીમારી સબબ વૃદ્ધાનું મૃત્યુ

- Advertisement -

જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા બાળકને આંચકી ઉપડતા સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના ટોડા ગામના વાડી વિસ્તારમાં રહેતા યુવાનને તેના ખેતરમાં મગફળીમાં પાણી વારતા સમયે હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું. જામનગર શહેરમાં ગુલાબનગર ભાનુ પેટ્રોલ પંપ પાછળના પ્રભાતનગરમાં રહેતા વૃધ્ધાનું બીમારી સબબ મૃત્યુ થયું હતું.

બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા અને મજૂરીકામ કરતા કમાબેન પ્રભાતગીરી ગોસ્વામી નામના મહિલાનો પુત્ર કિશન ગોસ્વામી (ઉ.વ.11) નામના બાળકને છેલ્લાં આઠ વર્ષથી ખેંચની બીમારી હતી અને આ દરમિયાન મંગળવારે વહેલસવારના સમયે આંચકી (ખેંચ) ઉપડતા સારવાર માટે ભાણવડની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું બુધવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. મૃતકની માતા દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, કાલાવડ તાલુકાના ટોડા ગામમાં રહેતા પ્રવિણસિંહ ટપુભા જાડેજા (ઉ.વ.38) નામના યુવાન બુધવારે બપોરના સમયે તેના ખેતરમાં પાણી વારતા હતાં તે દરમિયાન એકાએક છાતીમાં દુ:ખાવો થતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હેકો આર.કે. ઝાલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો બનાવ, જામનગર શહેરના ગુલાબનગર ભાનુ પેટ્રોલ પંપ પાછળ આવેલા પ્રભાતનગર વિસ્તારમાં રહેતા ગલાલબેન રામજીભાઇ કણજારિયા (ઉ.વ.60) નામના વૃધ્ધા એકલા રહેતા હતાં દરમિયાન બુધવારે સાંજના સમયે તેના ઘરે બીમારી સબબ બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે જાણ થતા પીએસઆઈ આર.કે. ગુસાઈ તથા સ્ટાફે ભગવતીબેન માંડવિયાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular