જામનગરના દરેડ GIDC-2માં ચારેક દિવસ પહેલા એક પરપ્રાંતીય કામદાર કારખાનાની ઓરડીમાં સુતો હતો ત્યારે બીમારી કે અન્ય કારણોસર બેભાન થઇ જતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગઈકાલના રોજ તેનું મૃત્યુ નીપજ્યું છે. જયારે જામનગરના દિગ્વિજય પ્લોટમાં રહેતા એક આધેડનું હાર્ટ એટેક આવતા સારવાર અર્થે ખસેડવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું છે.
મૂળ મધ્યપ્રદેશના અને હાલ જામનગરના દરેડ GIDC-2 પ્લોટ નં.167 મનીષબ્રાસ નામના કારખાનામાં કામ કરતો રામકુમાર રામલાલ જાટવ (ઉ.વ.25) ચારેક દિવસ પૂર્વે કારખાનાની ઉપરની ઓરડીમાં સુતો હોય અને કોઈ બીમારી કે અન્ય કારણોસર બેભાન થઇ જતા જામનગરની જીજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવતા ગઈકાલના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે જીતેન્દ્ર કુમાર રામનારાયણ જાટવે પંચકોશી બી ડીવીઝનને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય બનાવ જેમાં જામનગરના દિગ્વિજય પ્લોટ 59માં રહેતા હિરેનભાઈ પ્રભુદાસભાઈ લાલ નામના આધેડ ગઈકાલના રોજ રાત્રી દરમિયાન સુતા હતા ત્યારે ઉલ્ટી થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે સીટી એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.