ધ્રોલ તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતાં તરુણને દવાની વિપરીત અસર થવાથી સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું.
બનાવની વિગત મુજબ દાહોડ જિલ્લાના ખલાના ગામના વતની અને હાલ ધ્રોલ તાલુકાના મોડપર ગામની સીમમાં આવેલા કરશનભાઇના ખેતરમાં મજૂરી કામ કરતાં રાહુલ ધુલીયાભાઇ મેડા (ઉ.વ.17) નામનો તરુણ એક સપ્તાહ પૂર્વે ખેતરમાં ડુંગળીના પાકમાં દવાનો છંટકાવ કરતા સમયે દવાના ડબલાનું ઢાકણુ ખોલતાં દવા મોઢા ઉપર ઉડી જતાં તબિયત લથડી હતી. ત્યારબાદ તરુણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં શુક્રવારની મધ્યરાત્રીના સમય તરુણનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે જીતરાભાઇ દ્વારા જાણ કરાતાં હેકો કે.ડી. કામરીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.