કાલાવડ તાલુકાના પીઠડિયા-1 ગામમાં રહેતાં અને વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતી મહિલા તેણીના બે સંતાનો સાથે ઘરેથી ચાલ્યા ગયા બાદ ખેતરના કૂવામાંથી પાંચ વર્ષના પુત્ર અને ત્રણ માસની પુત્રીનો મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.
અરેરાટીજનકના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના પીઠડિયા 1 ગામની સીમમાં આવેલી નીતેશભાઈ ડાંગરીયાની વાડીમાં મજૂરી કામ કરતા બદીયાભાઈ પલાસ નામનો આદિવાસી યુવાન તેના ખેતરે ખેતીકામ કરી ગુરૂવારે સાંજના સમયે તેની ઓરડીએ પરત ફરતા તેની પત્ની ચકુબેન અને દેવરાજ અને રીયા ત્રણેય હાજર મળ્યા ન હતાં. ત્યારબાદ બદિયાભાઈએ તેની પત્ની અને બે સંતાનોની આજુબાજુના વાડી વિસ્તારમાં શોધખોળ કર્યા બાદ મળ્યા ન હતાં. જેથી તેણે પોલીસમાં જાણ કરી હતી. દરમિયાન નીતેશભાઇની વાડીના કુવામાંથી શુક્રવારે સવારના સમયે દેવરાજ બદીયાભાઈ પલાસ (ઉ.વ.5) અને રીયા બદીયાભાઈ પલાસ (ઉંમર 3 માસ) નામના બન્ને બાળકોના મૃતદેહો કૂવામાંથીમળી આવતા સ્થાનિક લોકોએ મૃતદેહ બહાર કાઢયા હતાં આ અંગેની જાણ થતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી બન્ને બાળકોના મૃતદેહોનો કબ્જો સંભાળી તેની માતા ચકુબેનની શોધખોળ આરંભી હતી.
વાડીના કૂવામાંથી બે માસુમ બાળકોના મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. માતા અને બે સંતાનોથી લાપતા થયા બાદ સંતાનોના મૃતદેહો સાંપડતા માતાએ બન્ને સંતાનો સાથે આત્મહત્યા કર્યાની આશંકાએ પોલીસ તથા સ્થાનિક લોકો દ્વારા ચકુબેનની શોધખોળ આરંભી હતી. જો કે, હજુસુધી મહિલાનો પત્તો લાગ્યો ન હતો અને બન્ને બાળકોના કૂવાના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાં હતાં.