ખંભાળિયા તાલુકાના દાતા ગામે શનિવારે ઢળતી સાંજે ત્રણ સ્થાનિકોએ આવી અને દાતા ગામમાં બાવળ કાપવાના ગ્રામ પંચાયતના ચાલી રહેલા કામમાં આ સ્થળે રહેલા સભ્યને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાય છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા અને નજીકની ખાનગી કંપનીમાં સિક્યુરિટી વિભાગમાં કામ કરતા તથા ગ્રામ પંચાયતના સભ્ય એવા જશવંતસિંહ ઉર્ફે હક્કો બળવંતસિંહ જાડેજા નામના 34 વર્ષના યુવાનને ગ્રામ પંચાયતના ઉપસરપંચ એવા રાજુભાઈ સરસિયાએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની જમીનમાંથી સોસાયટીમાં પાણીની લાઈન નાખવા માટે ગામના રસ્તામાં આડી આવતી બાવળની જાળીઓ કાપવાની થશે. જેથી ગ્રામ પંચાયતના સદસ્ય એવા જશવંતસિંહ ઉર્ફે હક્કો જાડેજાએ શનિવારે સાંજે જેસીબી મંગાવી અને રસ્તામાં આવતા બાવળનું દૂર કરવાનું કામ કરાવતું હતું.
ત્યારે આ સ્થળે દાતા ગામના રહીશ દીપસિંહ હેમભા જાડેજા, ભાવુભા હેમભા જાડેજા અને વિજયસિંહ ભાવુભા જાડેજા નામના ત્રણ શખ્સો અહીં ધસી આવ્યા હતા અને ફરિયાદી જશવંતસિંહને કહેલ કે – “અહીંથી શું કામ બાવળ કાપો છો? આ અમારા કબજાની જમીન છે” જેથી જશવંતસિંહએ જણાવ્યું હતું કે – “આ જમીન ગ્રામ પંચાયતની છે.” જેથી આરોપીઓએ ઉશ્કેરાઈને આ “જમીન તારા બાપની નથી, કામ બંધ કરી દો” તેમ કહી બિભત્સ ગાળો કાઢી, માર માર્યો હતો.
આ બનાવ બનતા ઘટના સ્થળે સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને જતા જતા આરોપીઓએ “બીજી વાર અહીં આવશો તો અમે જીવતા નહીં જવા દઈએ” તેમ કહી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી આરોપીઓની અટકાયત અંગેની કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી સામે અગાઉ પણ ડખ્ખો સર્જવા સબબની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. આ બનાવથી નાના એવા દાતા ગામમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.


