દેશની સૌથી મોટી તપાસનીસ એજન્સી સીબીઆઇ અને મહારાષ્ટ્ર સીઆઇડીની ખાસ તપાસ ટૂકડી સીટ એ ગઇકાલે મંગળવારે બોમ્બે હાઇકોર્ટમાં જણાવ્યું છે કે, આ બન્ને એજન્સીઓ રેશનાલિસ્ટ દાભોલકર-પાનસરે કેસની ટ્રાયલ ચલાવવા માટે તૈયાર છે.
દાભોલકરની હત્યા 2013ની 20 ઓગસ્ટે પૂના ખાતે મોર્નિંગ વોક દરમ્યાન થયેલી અને પાનસરેની હત્યા 2015ની 16 મી ફેબ્રુઆરીએ કોલ્હાપુર ખાતે થઇ હતી.
ગઇકાલે મંગળવારે બોમ્બે હાઇકોર્ટમાં સીબીઆઇ વતી એડિશનલ સોલિસીટર જનરલ અનિલસિંઘ અને એસઆઇટી વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રી અશોક મુન્દ્રાગી ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ એમ જણાવ્યું હતું કે, આ અગાઉ 2016માં આ બન્ને કેસની ટ્રાયલ વિરૂધ્ધ વચગાળાનો આદેશ મેળવવામાં આવ્યો હતોે. જે-તે સમયે સ્ટે અપાયેલો અને બાદમાં આ સ્ટેની મુદતો વધારવામાં આવી હતી.
આ અગાઉ માર્ચની 12મીએ અદાલતે બન્ને એજન્સીઓને કહ્યું હતું કે, આ બન્ને કેસોની તપાસ પૂર્ણ થાય ત્યારે એજન્સીઓએ અદાલતને સ્પષ્ટ શબ્દોમાં તે અંગે જણાવવું. આ કેસની આગામી સુનાવણી હાઇકોર્ટમાં 15 એપ્રિલે કરવામાં આવશે.