દિવાળીના પર્વની શહેરીજનો તૈયારી કરી રહ્યાં છે. દિવાળીના પર્વને લઇ ગૃહિણીઓને લઇ ઘરની સાફસફાઇ બાદ ગૃહ સજાવટ સહિતની ખરીદીઓનો પ્રારંભ થયો છે. ઘરને સજાવવા માટે અનેકવિધ પ્રકારની ચીજવસ્તુઓની બજારમાં આગમન થઇ ચૂકયું છે. લોકો હાલમાં દિવાળીની ખરીદીમાં વ્યસ્ત થયા છે. તો બીજીતરફ દિવાળીને લઇ બજારોમાં ઘરાકીની સાથે-સાથે રોશનીનો ઝગમગાટ પણ જોવા મળી રહ્યો છે.
પ્રકાશનું પર્વ દિવાળીનો તહેવાર આવી ચૂકયો છે. ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી બજારમાં ઘરાકી નિકળી છે. ગૃહિણીઓ દ્વારા ઘર સજાવટ માટે નવી-નવી વસ્તુઓ દિવડાઓ, તોરણો સહિતની ચીજવસ્તુઓની ખરીદી થઇ રહી છે. તો બીજીતરફ લોકો નવા કપડાં, વાહનો, ઇલેકટ્રીક વસ્તુઓ સહિતની ખરીદીઓ પણ કરી રહ્યાં છે. ઘરમાં નવીનતા લાવવા માટે ઘરની સાફસફાઇ કર્યા બાદ સ્ત્રીઓ દ્વારા ગૃહ સુશોભનની વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરવાનું શરુ કરી દીધું છે. દિવાળીના તહેવારને અનુલક્ષીને બજારમાં અનેકવિધ પ્રકારની ચીજવસ્તુઓનું આગમન થઇ ચૂકયું છે.
બજારમાં ગૃહસુશોભન માટે વિવિધ પ્રકારના ફુલો, ફલાવરપોટ, લાઇટીંગવાળા ફાનસ, તોરણો, દિવડા, રંગોળી, કળશ, સાથિયા તથા શુભ-લાભ અને હેપ્પી દિવાળી લખેલા સ્ટીકરો તેમજ માતાજીના ફૂલહાર, માતાજીની ચુંદડીઓ સહિતની અનેકવિધ ચીજવસ્તુઓ બજારમાં વેચાઇ રહી છે. દિવાળીના તહેવારમાં લોકો રોશનીનો શણગાર તેમજ દિવડાઓ પણ પ્રગટાવતાં હોય છે. ત્યારે વિવિધ પ્રકારની લાઇટીંગની સિરીઝો તેમજ માટીના તથા મીણબત્તીના દિવડાઓ પણ અનેકવિધ પ્રકારના બજારમાં જોવા મળી રહ્યાં છે. દિવાળીના તહેવારને લઇ શહેરના બર્ધનચોક, સુપર માર્કેટ સહિતના વિસ્તારો ગ્રાહકોથી ધમધમી રહ્યાં છે. ખાસ કરીને મોડી સાંજે ખરીદી માટે ભારે ઘરાકી જોવા મળી રહી છે. બે વર્ષના કોરોનાકાળ બાદ આ વર્ષે લોકો આનંદ ઉલ્લાસ સાથે તહેવારોની ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે જામનગરની બજારોમાં પણ દિવાળીની રોનક જોવા મળી રહી છે.