ખંભાળિયાની મામલતદાર કચેરી નજીક આવેલી એક વકીલની ઓફિસમાં સ્થાનિક પોલીસે ગત મોડી સાંજે દરોડો પાડી, ચાલી રહેલી ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોન મારફતે જુગાર રમી રહેલા કુલ ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં બેઠક રોડ ઉપર રહેતા અને મામલતદાર કચેરીની બાજુમાં ઓફીસ ધરાવતા એડવોકેટ તરૂણ જયંતીલાલ વિઠલાણીની ઓફિસમાં તરૂણ વિઠલાણી સાથે અત્રેના પેટ્રોલ પંપની બાજુમાં રહેતા શાહબાઝ અનવરભાઈ ભગાડ (ઉ.વ. 29) ઉપરાંત અહીંના ધરાનગર, આશાપુરા ચોક ખાતે રહેતા શક્તિ વરજાંગ જામ (ઉ.વ. 23) મળી આ ત્રણ શખ્સોને પોતાના મોબાઈલ ફોનમાં ચોક્કસ આઈ.ડી. મારફતે જુદી-જુદી બે ટીમો વચ્ચે મેચ રમાઈ રહેલી મેચ ઉપર ઓન લાઈન સોદા લગાવી અને હારજીત કરતા પોલીસે પકડી પાડયા હતા.
એડવોકેટ તરુણ તથા શાહબાઝને શક્તિ જામ દ્વારા આઈ.ડી. આપી, પોતાના અંગત ફાયદા માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમાતા ઓનલાઈન જુગારમાં પોલીસે રૂા. 7,700 રોકડા તથા રૂા. 15 હજારની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂા. 22,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગારધારાની કલમ 4-5 મુજબ ઉપરોક્ત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.