દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે વેપારીઓ તેમજ સ્થાનિકોને ત્રાસ આપી વિવિધ પ્રકારે આતંક મચાવનાર બિચ્છુ ગેંગને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે કડક હાથે કાર્યવાહી કરી અને દબોચી લીધી હતી. આ પ્રકરણમાં ડઝનબંધ આરોપીઓ ઝડપાયા હતા. જેને જેલ હવાલે મોકલી આપવામાં આવ્યા હતા. આ આરોપીઓ દ્વારા કરવામાં આવેલી જામીન અરજી પોલીસ તથા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોના આધારે નામંજૂર કરાવવામાં આવી હતી.
સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ બની ગયેલા આ પ્રકરણમાં મીઠાપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આ સ્થાનિક રહીશો તથા વેપારી વર્ગને કેટલાક સ્થાનિક શખ્સોની ગેંગ દ્વારા કનડવામાં આવતા હોવા અંગેની ફરિયાદ સ્થાનિક પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં જે-તે સમયે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ખાસ ટીમ બનાવી અને આ બિચ્છુ ગેંગના 14 આરોપીઓને ઝડપી પાડી, તમામ સામે ગુજસીટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જે સંદર્ભે આરોપીઓને અદાલતે જેલ હવાલો મોકલી આપવાનો હુકમ કર્યો હતો.
આ પ્રકરણના આરોપીઓ દ્વારા જામીનમુક્ત થવા માટેની અરજી રાજકોટની ખાસ ગુજસીટોક સ્પેશિયલ કોર્ટમાં કરવામાં આવતા આ બાબતનો વિરોધ કરી, બિચ્છુ ગેંગના આ સભ્યો જો જામીનમુક્ત થઈ અને બહાર આવશે તો ફરી વખત તેઓ દ્વારા લોકોને માર મારી, ખંડણી ઉઘરાવવા સહિતના ગુનાઓ આચરીને કાયદો અને વ્યવસ્થાને હાની પહોંચાડે તેવી સંભાવના અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવની સૂચના અને માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ તપાસનીસ અધિકારી ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા રાજકોટની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટ સમક્ષ અસરકારક પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તેમની સાથે કોર્ટના સરકારી વકીલ તુષાર ગોકાણી દ્વારા કરવામાં આવેલી મુદ્દાસરની દલીલોને તેમજ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંદનામાં ધ્યાને લઈ અને નામદાર અદાલતે આ તમામ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજસીટોકમાં ઝડપાયેલા આરોપીઓ મીઠાપુર – ઓખા પંથકના વેપારીઓ તેમજ રહીશોને ડરાવી, ધરાવી ધમકાવી ખૌફનું વાતાવરણ સર્જી દીધું હતું અને અવારનવાર સ્થાનિકોને બેફામ માર મારી, ખંડણી વસૂલતા હોવાની ફરિયાદો ઉઠતાં કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ પોલીસ દ્વારા નક્કર પગલાં લઈ અને આવા તત્વોના જામીન નામંજૂર કરાવવામાં આવ્યા હતા.