જામનગર શહેરમાં ગાંધીનગર વિસ્તારમાં રહેતાં દંપતી બાઈક પર ચાવંડી ગામે જતાં હતાં તે દરમિયાન કાલાવડ તાલુકાના નવાગામ નજીક પૂરઝડપે આવી રહેલા બાઈકસવારે દંપતીના બાઈક સાથે અથડાવી અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે યુવાનના પત્નીને નાની મોટી ઈજાઓ થઈ હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે રહેતાં જયેન્દ્રસિંહ નવલસિંહ જાડેજા અને તેમના પત્ની રીટાબા ગત તા.31 ના રોજ બપોરના સમયે તેમના જીજે-10-એએ-2294 નંબરના બાઈક પર જામકંડોરણા તાલુકાના ચાવંડી ગામમાં રહેતાં વિજયસિંહ જાડેજાના ઘરે મળવા જતાં હતાં તે દરમિયાન કાલાવડ તાલુકાના નવાગામ નજીકના માર્ગ પરની ગોલાઈમાં પહોંચ્યા ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલા જીજે-10-એએચ-9311 નંબરના બાઈકચાલકે દંપતીના બાઈક સાથે અથડાવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈક પરથી પડી જતાં જયેન્દ્રસિંહને મોઢા પર તથા આંખ પર તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે તેમના પત્ની રીટાબાને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતા હેકો એ.જી. જાડેજા તથા સ્ટાફે રીટાબાના નિવેદનના આધારે બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.