કાશ્મીરના રાજૌરીમાં ત્રાસવાદી હુમલામાં 5 જવાનો શહીદ થતાં સરકાર ખળભળી ઉઠી છે અને આતંકવાદીઓ પર વળતો પ્રહાર કરવામાં આવ્યો હોય તેમ આજે બે સ્થળોએ અથડામણમાં બે આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો.બીજી તરફ કાશ્મીરમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘ કાશ્મીર પહોંચ્યા છે. તથા સૈન્ય પ્રમુખ જનરલ મનોજ પાંડે પણ ઘટનાસ્થળની મુલાકાતે જશે. બારામુલા અને રાજોરીમાં સુરક્ષા દળો અને આતંકીઓની અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. રાજૌરીમાં શુક્રવારે થયેલા આતંકી હુમલા બાદ સેનાએ ઘેરાબંધી તેજ કરી દીધી છે. આજે શનિવારે સેનાએ રાજૌરીમાં અથડામણ દરમ્યાન એક આતંકીને ઠાર મારી નાખ્યો હતો.
જયારે અન્ય એક ઘાયલ થયો હતો. જયારે બારામુલાનાં કરહામાં કુંજર વિસ્તારમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર થયો હતો.આ આતંકીઓનાં તાર લશ્કર એ તોયબા સાથે જોડાયેલા છે. બારામુલ્લામાં ઠાર થયેલા આતંકીની ઓળખ આબિદવાની તરીકે થઈ છે. ઘટનાસ્થળેથી એકે-47 રાયફલ જપ્ત કરાઈ છે. શુક્રવારે રાજૌરીમાં આતંકી સાથે અથડામણમાં પાંચ જવાનો શહીદ થવાના પગલે સુરક્ષા મંત્રી રાજનાથસિંહ તથા સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે પરિસ્થિતિની જાણકારી મેળવવા રાજૌરીની મુલાકાત લીધી હતી.