ગુજરાતના તમામ જીલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટ, જામનગર અને મોરબીમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. મોરબીમાં હોસ્પિટલોમાં બેડ ખાલી ન હોવાથી દર્દીઓને જામનગર અને રાજકોટની હોસ્પિટલોમાં લઇ જવાની ફરજ ઉભી થઇ છે. તેવામાં મોરબીના કલેકટર દ્રારા કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સુપર સ્પ્રેડરનો કોરોના ટેસ્ટ ફરજીયાત કરવાનો રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.
મોરબીમાં કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે મોરબીના કલેકટર દ્રારા જણાવવામાં આવ્યું છે કે મોરબીના તમામ સુપર સ્પ્રેડરે કોરોનાનો ટેસ્ટ ફરજીયાતપણે કરાવવાનો રહેશે. મોરબીમાં કારીયાણું, હેરસલુન, શાકભાજીના ફેરિયા,પાનના ગલ્લા, ખાણીપીણી, ચા ના સ્ટોલ ધારકોએ ફરજીયાત પણે RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. મોરબીમાં કોરોના સંક્રમણ બેકાબુ બનતા કલેકટર દ્રારા આજે રોજ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ લોકોએ રિપોર્ટ સાથે રાખવો પડશે
- શાકભાજીના છૂટક/ જથ્થાબંધ વેપારી
- હોટેલ/ રેસ્ટોરન્ટમાં કામ કરતા તમામ લોકો
- ખાણી પીણીના લારી ગલ્લાવાળા
- ખાનગી સિક્યુરિટી એજન્સીના ગાર્ડસ તથા સ્ટાફ
- ઇલેક્ટ્રીશિયન, પ્લંબર, ટેકનીશિયનો વગેરે
- શોપિંગ મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષના વેચાણ વિતરણ કરતા લોકો
- રીક્ષા/ ટેક્ષી- કેબવાળા/ ભાડે ફરતા વાહનોના ડ્રાઇવર
- પાનના ગલ્લાવાળા/ ચાની કીટલી/ દુકાન
- હેર સલૂન તથા બ્યુટીપાર્લરમાં કામ કરતા લોકો