કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે, જે સાથે જ દૈનિક કેસોમાં પણ ઘટાડો થવા લાગ્યો છે. છેલ્લા 50 દિવસમાં સૌથી ઓછા દૈનિક 1.52 લાખ કેસો સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસો પણ ઘટીને હવે 20 લાખે પહોંચી ગયા છે. બીજી તરફ કોરોનાને કારણે 24 કલાકમાં 3128 લોકોના મોત નિપજ્યા છે અને કુલ મૃત્યુઆંક 3.29 લાખે પહોંચી ગયો છે. બીજી તરફ 24 કલાકમાં 2.38 લાખ દર્દીઓને સાજા કરી લેવામાં આવ્યા છે. દેશમાં રિકવરી રેટ વધીને 9ર ટકાએ પહોંચી ગયો છે અને કુલ સાજા થયેલાની સંખ્યા વધીને 2.56 કરોડે પહોંચી ગઇ છે. મૃત્યુદર પણ ઘટીને હવે 1.17 ટકાએ આવી ગયો છે.
માત્ર એક જ દિવસમાં 16.83 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે સાથે જ કુલ ટેસ્ટનો આંકડો 34.48 કરોડે પહોંચી ગયો છે. મે મહિનામાં કોરોના કેસોની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો. જાહેર કરાયેલા આંકડા અનુસાર માત્ર મે મહિનામાં જ કુલ કેસોના 31.67 ટકા કેસો મે મહિનામાં જ સામે આવ્યા છે. સાથે જ જે કુલ મૃત્યુઆંક છે તેના 35.63 ટકા માત્ર એક જ મહિનામાં સામે આવ્યા છે. મે મહિનામાં કોરોનાના 88.82 લાખ કેસો સામે આવ્યા હતા અને આ જ મહિનામાં કોરોનાને કારણે 1.17 લાખ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેથી કોરોના કાળમાં મે મહિનો સૌથી ઘાતક માનવામાં આવે છે.
સાતમી મેએ કોરોનાના સૌથી વધુ 4.14 લાખ કેસો સામે આવ્યા હતા. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર બ્લેક ફંગસ સામે મહત્વપૂર્ણ ગણાતા એમ્ફોટેરિસિન-બી નામના વધારાના આશરે 30100 ઇંજેક્શન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં ગંગા નદીમાંથી હજુ પણ મૃતદેહો મળી રહ્યા છે. યુપીના ફતેહપુરમાં ગંગા નદીમાંથી વધુ 6 મૃતદેહો મળી આવ્યા હતા. કોરોનાને કારણે મૃત્યુ પામેલાને પરિવારજનો ગંગા નદીમાં વહાવી રહ્યા હોવાના વીડિયો પણ સામે આવી રહ્યા છે. એવામાં આ વધુ છ મૃતદેહો મળી આવ્યા છે. મે મહિનામાં જ અગાઉ બલ્લિયામાં ગંગા નદી ઘાટે 52 મૃતદેહો મળી આવ્યા હતા. જોકે અત્યાર સુધી કેટલા મૃતદેહો ગંગા નદીમાં મળી આવ્યા તેનો ચોક્કસ આંકડો જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર નથી કરવામાં આવ્યો.
કોરોના નબળો પડયો, રિકવરી રેટ સબળો થયો
દેશમાં કોરોનાનો રિકવરી રેટ 92 ટકાએ પહોંચ્યો : 24 કલાકમાં 1.52 લાખ નવા કેસ, 2.38 લાખ દર્દીઓ રિકવર થયાં : મોતની સંખ્યા હજુ પણ ચિંતાનું કારણ