જામનગર શહેરમાં એસ ટી ડેપો નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં ઓકિસજન બંધ કરી દેવાના કારણે દર્દીનું મોત નિપજ્યાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આ મામલે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં એસ ટી ડેપો નજીક પાછલા તળાવ પાસે આવેલી શ્રધ્ધા કોરોના હોસ્પિટલમાં ક્રિષ્નાબા નરેન્દ્રસિંહ ઝાલા નામના મહિલા દર્દીને ચાર દિવસ પૂર્વે કોવિડ પરીક્ષણ પોઝિટિવ આવતા શ્રધ્ધા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં ગત રાત્રિના સમયે સારવારમાં દાખલ ક્રિષ્નાબા ઝાલાનું મોત થયું હતું. જેથી મૃતકના પતિ નરેન્દ્રસિંહ ઝાલા અને પરિવારજનો દ્વારા હોસ્પિટલના તબીબો દ્વારા રાત્રિના સમયે ઓકિસજન બંધ કરી દેવાથી ક્રિષ્નાબાનું મોત નિપજ્યાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે ભારે હોબાળો મચ્યો હતો અને મૃતકના પતિ દ્વારા હોસ્પિટલની બેદરકારીના કારણે તેના પત્નીનું મોત નિપજયું હોવાથી પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.