દેશભરમાં એક બાજુ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે બીજી બાજુ હોસ્પિટલોની હાલત સૌથી ખરાબ છે. તો આજે વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. મુંબઈના વિરાર સ્થિત વિજય વલ્લભ હોસ્પિટલના આઈસીયુમાં આગ ફાટી નીકળતા કોરોનાની સારવાર લઇ રહેલ 13 દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. સમગ્ર ઘટનાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર દુઃખ વ્યક્ત કર્યું છે.
મુંબઈના વિરાર વેસ્ટમાં મોડીરાત્રે વિજય વલ્લભ હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગી હતી. ઘટના સમયે આઈસીયુમાં 17 દર્દીઓ દાખલ થયા હતા. આ ઘટનામાં 13 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. મોડી રાત્રે 3:30 વાગ્યે આગ લાગી હતી. સમગ્ર સેન્ટરમાં 90 દર્દી દાખલ હતા. જે પેશન્ટને ઓક્સિજનની જરૂર છે તેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. હાલમાં આગ પર કાબૂ મેળવી શકાયો છે. એસીમાં શોટ સર્કીટના પરિણામે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઇને મુખ્યમંત્રી ઉદ્રવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા છે. આ સમગ્ર ઘટનાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું હતું કે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું સાથે જ ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય.
કોરોનાના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં એક પછી એક દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. હજુ બે દિવસ અગાઉ જ નાસિકની ઝાકીર હુસૈન સરકારી હોસ્પિટલમાં ઓક્સીજનન ટેંક લીક થતાં 24 દર્દીઓના મૃત્યુ નીપજ્યા હતા. ત્યારે આજે વધુ એક દુર્ઘટના સામે આવી છે.