છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.34 લાખ કેસો સામે આવ્યા છે. જ્યારે વધુ 2887 લોકોના મોત નિપજ્યા છે. કોરોનાના કુલ કેસોનો આંકડો 2.84 કરોડે પહોંચી ગયો છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 6.21 ટકાએ પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામેલાનો આંકડો 3.37 લાખે પહોંચી ગયો છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસો હવે 17 લાખે આવી ગયા છે. દરમિયાન કોરોનાથી ભારતમાં 9 હજારથી વધુ બાળકોએ માતા અથવા પિતાને ગુમાવ્યા છે.
એક જ દિવસમાં કોરોનાના 21.59 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે સાથે જ કુલ ટેસ્ટનો આંકડો 35.37 કરોડે પહોંચી ગયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 6.21 ટકાએ આવી ગયો છે. સતત 10 દિવસથી પોઝિટિવિટી રેટ 10 ટકાની નીચે પહોંચી ગયો છે.
અત્યાર સુધીમાં કોરોનાથી 2.63 કરોડ લોકો સાજા થઇ ગયા છે. જ્યારે દૈનિક મૃત્યુદર ફરી ઘટીને 1.19 ટકાએ પહોંચ્યો હતો. બીજી તરફ સરકારે બાળકોને કોરોનાથી બચાવવા માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. ખાસ કરીને જે બાળકો કોરોનાથી અનાથ બન્યા હોય તેમને ધ્યાનમાં રાખી બહાર પડાયેલી ગાઇડલાઇન મૂજબ રાજ્યો, જિલ્લા મેજિસ્ટ્રેટ્સ, પોલીસ, પંચાયત રજ સંસ્થાઓ વગેરેની જવાબદારી નક્કી કરી છે.
દરમિયાન જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં 9346 બાળકોએ માતા અથવા પીતા બેમાંથી એકને ગુમાવ્યા છે જ્યારે 1700 બાળકો એવા છે કે જેમણે માતા-પિતા બન્નેને ગુમાવી દીધા છે.
આ આંકડા બાળકોના અધિકારોના રક્ષણ માટેના રાષ્ટ્રીય કમિશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવ્યા હતા. આવા બાળકોની આર્થિક સ્થિતિથી લઇને તેમની સંપૂર્ણ જાણકારી એકઠી કરવામા આવશે જે નવી ગાઇડલાઇનમાં પણ સામેલ કરાયું છે. બાદમાં સરકાર દ્વારા આ બાળકો સુધી સહાય પુરી પાડવામાં આવશે.
કોરોનાએ દેશમાં 1700 બાળકોને અનાથ કર્યા
9,000થી વધુ બાળકોએ માતા અથવા પિતા ગુમાવ્યા: દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1.34 લાખ કેસ, વધુ 2,887નાં મોત