દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના સંક્રમિતોનો આંકડો 3 લાખથી નીચે આવ્યો છે. જો કે, મંગળવારે તેમાં સામાન્ય વધારો નોંધાયો હતો. પરંતુ મૃતકઆંકમાં ખાસ કોઈ ઘટાડો નથી નોંધાઈ રહ્યો. મંગળવારે દેશમાં કોરોના વાયરસના કુલ 2,67,122 લાખ કેસ સામે આવ્યા હતા અને 3,912 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
દેશમાં સૌથી વધારે 4,14,554 કેસ 6 મેના રોજ નોંધાયા હતા અને ત્યારથી કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 12 દિવસમાં સંક્રમિતોના આંકડામાં ભારે ઘટાડો નોંધાયો છે પરંતુ તેમ છતાં તે વિશ્ર્વમાં સૌથી વધારે જ છે.
મંગળવારે દેશના સૌથી વધુ અસરગ્રસ્ત રાજય મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 28,438 નવા કેસ સામે આવ્યા હતા જે સોમવારની સરખામણીએ 1,822 જેટલા ઓછા છે. પ્રદેશમાં સંક્રમણના કારણે 679 લોકો મૃત્યુ પામ્યા છે.
સ્વાસ્થ્ય વિભાગના અહેવાલ પ્રમાણે પ્રદેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 54,33,506 થઈ ગઈ છે અને 83,777 લોકોના મોત થયા છે. નવા કેસો ઘટવાને કારણે એક્ટિવ કેસ પણ ઘટીને હવે 33.53 લાખે પહોંચ્યા છે જે કુલ કેસોના 13.29 ટકા છે. બીજી તરફ રિકવરી રેટ વધવા લાગ્યો છે અને હવે તે 85.60 ટકાએ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં પહેલી વખત દેશમાં ચાર લાખથી વધુ લોકોએ કોરોનાને હરાવીને સાજા થયા છે. એટલે કે નવા કેસો ત્રણ લાખની નીચે ગયા છે અને સાજા થયેલાની સંખ્યા બમણી ચાર લાખથી પણ વધુ નોંધાઇ છે.